જીવનમાં એક નહીં થઈ શકે તેમ લાગતા પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મકયું

પ્રતિકાત્મક
પાનવા ગામના પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલુ કર્યુ-આ બંને પ્રેમી યુગલે આ જીવનમાં એક ન થઇ શકવાનું લાગતા ટ્રન નીચે પડતું મુકી મોતનો માર્ગ પસંદ કર્યો
સુરેન્દ્રનગર, પાટડી તાલુકાના પાનવા ગામના પ્રેમી યુગલે બજાણા રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલુ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બંને પ્રેમી યુગલે આ જીવનમાં એક ન થઇ શકવાનું લાગતા ટ્રેન નીચે પડતું મુકી મોતનો માર્ગ પસંદ કર્યો છે.
આ ઘટનાની જાણ થતાં બજાણા અને રેલ્વે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાટડી તાલુકાના પાનવા ગામે રહેતા ૨૩ વર્ષના ગોવિંદભાઇ સમાભાઇ કનેજા (ઠાકોર)ને પાનવા ગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો.
આ પ્રેમી યુગલ એક જ ગામના અને એક જ જ્ઞાતિના હોય એમને ડર હતો કે, સમાજના લોકો એમના પ્રેમને સ્વિકારશે નહીં. આથી આ જન્મમાં તેઓ એક ન થઇ શકવાનું જણાતા બંને ઘેરથી કોઇને કહ્યા વગર નીકળી જઇ પાટડી તાલુકાના પીપળી રેલવે ફાટકથી બજાણા રેલ્વે ફાટકના ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મુકી મોતને વહાલું કર્યું હતુ.
આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં વિરમગામ રેલ્વે પોલીસ અને બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને પ્રેમી યુગલની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણ થતાં દસાડા ધ્રાંગધ્રા પી.કે.પરમાર સહિતના આગેવાનો પણ પાટડી સરકારી હોસ્પિટલે દોડી જઇ પોલીસ અને ડોક્ટર સાથે સવિસ્તાર માહિતી મેળવી હતી. બજાણા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.