હાઈ-લો વોલ્ટેજના કારણે ભરૂચના વિવિધ વિસ્તારોમાં વીજ ઉપકરણો ઉડી ગયા
ચોમાસુ બેસતા જ વીજ કંપનીના ધાંધિયા શરુ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ચોમાસુ ધીરે ધીરે જામી રહ્યું છે ત્યારે વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે ઝાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં લોકોના વીજ ઉપકરણોમાં નુકસાન થવા પામ્યું છે.જેથી વીજ કંપની લોકોની નુક્શાની ભરપાઈ કરે તેવી માંગ ઉઠવા પામી છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં ધીરે ધીરે ચોમાસુ જામી રહ્યું છે.ત્યારે વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કાર્ય બાદ પણ વીજ પાવરમાં હાઈ અને લો વોલ્ટેજના બનાવો બની રહ્યા છે.તો કેટલાક વિસ્તારોમાં થોડા જ વરસાદમાં લાઈટો ગુલ થઈ જાય છે અને લાંબા સમય સુધી નહિ આવતા લોકોને હાલાકીનો સામનો કરવા સાથે ગરમીના ઉકળાટ વેઠવાનો વાળો આવ્યો છે.
ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા.જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુધ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ વીજ કંપની તેમની નુક્શાનીના રૂપિયા ચૂકવે તેવી માગ કરી હતી.
ભરૂચ શહેરમાં વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ પણ લાઈટોના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.ઉનાળાની ઋતુ દરમ્યાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચુક્યા છે.ત્યારે હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે.તેવામાં વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાની બુમ ઉઠવા પામી છે.
જેમાં ગતરોજ રાત્રીના પણ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી જ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો.જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રિજ,એસી,સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ખરાબ થયા હતા
અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુક્શાની વેઠવાનો વારો આવ્યો છે.જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેઓને થયેલા નુકશાનીનું વળતર વીજ કંપની ચૂકવે તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા દર વર્ષે વીજ કાપ રાખી પ્રિમોન્સુન કામગીરી કરતી હોય છે ત્યારે શહેરીજનોને ગરમીના ઉકળાટનો સામનો કરવો પડતો હોય છે.પરંતુ ચોમાસામાં પણ થોડા જ વરસાદમાં વીજળી ગુલ થઈ જતા તેમજ હાઈ અને લો વોલ્ટેજના કારણે લોકોના ઉપકરણ ફૂંકાવા સાથે બફારાનો પણ સામનો કરવો પડતો હોવાથી વીજ કંપનીની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉભા થયા છે.