Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

(પ્રતિનિધી) ભરૂચ, હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમ્યાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જીલ્લામાં પણ તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય પગલા લેવા જણાવાયું છે.

દરમ્યાન આજરોજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ લોકોએ અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો. ત્યાર બાદ બપોરના બે વાગ્યા આસપાસના સમય દરમ્યાન ઝઘડિયા તાલુકામાં મુશળધાર વરસાદ થતાં તાલુકાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા.

તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા આવા વિસ્તારો બેટમાં ફેરવાયેલા જણાતા હતા. વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ધોરીમાર્ગ પર રાજપારડી ઝઘડિયા વચ્ચે સીમોદરા ગામ નજીક ધોરીમાર્ગ પર પાણી ભરાયું હતું.

અને તેને લઈને લગભગ એક કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા. જાેકે ધોરીમાર્ગ પર ભરાયેલા પાણીમાં થઈને ના છુટકે વાહનો પસાર થતાં દેખાયા હતા.ત્યાર બાદ વરસાદ ધીમો પડતા માર્ગ પરથી પાણી વહી જતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

ઉપરાંત તાલુકા માંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલ્વે લાઈન પરના અવિધા અને કરાર જેવા ગામો નજીકના રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાતા રેલ્વે ગરનાળાને જાેડતા ગ્રામિણ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામાન્ય રીતે દર ચોમાસે જાેવા મળતી હોય છે પરંતુ આ બાબતે કોઈ અસરકારક આયોજનના અભાવે જનતાને પડતી હાડમારી યથાવત રહેતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.