Western Times News

Gujarati News

LPG સિલિન્ડર અને બાઇકને કફન ઢાંકી, ફૂલહાર ચઢાવી વિરોધ કરાયો

જામનગર, પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધી રહ્યા હોવાથી સામાન્ય અને મધ્યયમ વર્ગ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યો છે. કમરતોડ મોંઘવારીને લઈને જામનગરમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તારમાં સ્થાનિકોએ અનોખી રીતે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડર સહિતના ભાવ વધારા સામે વિરોધ કર્યો છે.

લોકોએ જાહેર રસ્તા પર એલપીજી સિલિન્ડર અને બાઇકને કફન ઢાંકી, ફૂલહાર ચઢાવી મોંઘવારીને લઈને ફરી ચૂલા યુગ શરૂ થશે તે પ્રકારના પ્રતિકાત્મક વિરોધ માટે પોસ્ટરો હાથમાં લઈને નાટક ભજવ્યું હતું. જેમાં એક યુવક મોંઘવારીના મારથી પાગલ થઈ ગયો હોય અને ચિચિયારી પાડતો હતો. યુવક ‘મોદી મામા… મોદી મામા’ કરીને મોંઘવારીને લઈને ખાવા-પીવાના સાંસા પડી ગયા હોવાનું ઉચ્ચારતો હતો. આ અનોખા વિરોધને લોકો પણ કુતૂહલપૂર્વક જાેઈ રહ્યા હતા.

પ્રદર્શનકારીઓનું કહેવુ છે કે સમગ્ર દેશમાં સરકાર દ્વારા સામાન્ય લોકોની વ્યથા સમજી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડર જેવા રોજિંદા ઉપયોગમાં લેવાતા ઇંધણના ભાવો ઘટાડવામાં આવે તેવી માગણી છે. અનોખો વિરોધ કરી રહેલા યુવકે પોતાના ગળામાં એક પોસ્ટર લગાવેલું હતું. જેમાં લખ્યું હતું કે, “હું મધ્યમવર્ગીય પ્રજા સરકારના બેફામ ભાવ વધારા અને ભ્રષ્ટાચારથી માનસિક સંતુલન ગુમાવી બેઠો છું.”

આ સાથે અહીં એક ગેસનો બાટલો પણ મૂકવામાં આવ્યો હતો. જેના પર ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા. જેની આગળ મૂકવામાં આવેલા એક પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, “હું સિલિન્ડર હવે ગરીબના ઘરમાં નહીં રહી શકું. મારીથી ગરીબોની હાલત નથી જાેવાતી. મારા મોતનું કારણ ર્નિદયી સરકાર અને બેફામ ભાવ વધારો છે.”

અહીં એક બાઇક પણ મૂકવામાં આવ્યું હતું. જેના પર લટકાવી રાખેલા પોસ્ટરમાં લખ્યું હતું કે, “હું ગાડી અને મારો સાથી પેટ્રોલ હવેથી સામાન્ય માણસનો સાથ નહીં આપી શકીએ. મારાથી ગરીબોની હાલત નથી જાેવાતી. આથી અમે ભોળા માણસનો સાથ છોડીને ભ્રષ્ટાચાર રૂપી યમલોક જાઉ છું. મારા મૃત્યુનું કારણ આ ર્નિદયી સરકાર અને બેફામ ભાવ વધારો છે.” આ તબક્કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.