LRD ભરતીના મુદ્દે આજે મુખ્યમંત્રી મહત્વપૂર્ણ નિર્ણય લેશે
અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ આંદોલન ઉગ્ર બનાવવા માટે મક્કમ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે ગાંધીનગરમાં આંદોલન કરનાર બીન અનામત અને અનામત કેટેગરીની મહિલાઓ વચ્ચે સરકારની સ્થિતિ કફોડી બની છે. આંદોલનનો અંત લાવવા માટે સરકાર સક્રિય બની હતી પરંતુ હવે બંને વર્ગની મહિલાઓએ શરૂ કરેલા આંદોલનના પગલે રાજય સરકાર વધુ એલર્ટ થઈ ગઈ છે.
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી ગઈકાલે મળેલી મીટીંગમાં થયેલી ચર્ચાનો અહેવાલ રજુ કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રી એલઆરડી ભરતીના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લે તેવી સંપૂર્ણ શક્યતા છે.
રાજયમાં એલઆરડીની ભરતીના મુદ્દે અનામત વર્ગની મહિલાઓ ર૦૧૮ના પરિપત્રને રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં ૬૬ દિવસથી ઉપવાસ પર ઉતરેલી મહિલાઓ સામે થોડા દિવસ પહેલા સરકારે નમતુ જાખયુ હતું અને આ પરિપત્ર રદ કરવાની ખાતરી આપી હતી.
પરિપત્ર રદ કરવાની જાહેરાતથી બીન અનામત વર્ગની મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ પણ છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બિન અનામત વર્ગના નેતાઓએ ચર્ચા કરી હતી. આ ચર્ચાના આધારે બંને અગ્રણીઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે દરમિયાનમાં આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ બંને મંત્રીઓની બેઠક યોજાવાની છે
આ બેઠકમાં આ અહેવાલ રજુ કર્યા બાદ આ મુદ્દે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓએ શરૂ કરેલા ધરણાના પગલે સરકારે પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેની લેખિતમાં પણ ખાતરી અપાઈ હતી જેના પગલે અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં ધરણા ચાલુ રાખ્યા છે અને આજે આ ધરણાનો ૬૭મો દિવસ છે. અનામત વર્ગની મહિલાઓ આંદોલનને ઉગ્ર બનાવવા માટે મક્કમ છે અને સરકાર આ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરે તે પછી જ આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો છે.
બીજીબાજુ પરિપત્ર રદ કરવાની જાહેરાત થતાં જ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં ૩ દિવસથી દેખાવો કરવાનું શરૂ કર્યું છે. આજે સવારે પણ વિધાનસભાની સામે મેદાનમાં બંને છાવણીઓની મહિલાઓએ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું છે. સાથે સાથે બીન અનામત વર્ગની મહિલાઓની છાવણીમાં આજે પાટીદાર નેતા લાલજી પટેલ સહિતના અગ્રણીઓ મુલાકાત લેવાના છે.
સાથે સાથે રાજય સરકારને ર૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જા ર૪ કલાકમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. આ પરિસ્થિતિ વચ્ચે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની યોજાનારી બેઠક પર તમામની નજર મંડાયેલી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી મહત્વપૂર્ણ નિર્ણય લેવાના છે.