LRD ભરતીની શારીરિક કસોટી પ્રક્રિયામાં એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો
(પ્રતિનિધિ) ગોધરા, રાજ્યમાં પોલીસ વિભાગમાં હાલ ચાલી રહેલી પીએસઆઇ અને એલ.આર.ડી ભરતી માં હજારો યુવક યુવતીઓ કસોટી માં ખરા ઉતારવા માટે તન ટોડ મહેનત કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ ભરતી બોર્ડ પણ આ પરીક્ષા પ્રક્રીયા ને પારદર્શક બનાવવા ના પ્રયત્નો કરી જ રહ્યું છે.
ત્યારે પંચમહાલ એસ આર પી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી શારીરિક કસોટી પ્રક્રિયામાં અમદાવાદના ધોળકાનો એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો જેની પૂછપરછમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
જેમાં ખેડાના પણસોલી ગામના રીતેશ ચૌહાણે તેના સાળા સંદીપને બોગસ કોલ લેટર બનાવી આપ્યો હોવાની વિગતો બહાર આવતાં જ ગોધરા બી ડિવિઝન પોલીસે રિતેશ ચૌહાણ સામે ગોધરા હેડક્વાર્ટરના માઉન્ટેડ પીએસઆઇની ફરિયાદ આધારે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ ભરતી માટે ખોટા કોલ લેટર બનાવવા અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પ્રાપ્ત વિગતો અનુસાર સાત જાન્યુઆરી ના રોજ સામાન્ય ઉમેદવારો ની જેમ જ ધોળકા નો યુવાન સંદીપકુમાર જયચંદ ઠાકોર ગોધરા એસ આર પી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પોલીસ ભરતી માં ભાગ લેવા અને ગ્રાઉન્ડ માં પ્રવેશ મેળવવા પોતાના કોલ લેટર સાથે લાઇન માં ઉભો હતો.
સ્થળ પર ના અધિકારી તમામ ઉમેદવારો ને કોલ લેટર ચેક કરી ગ્રાઉન્ડ માં પ્રવેશ આપી રહ્યા હતાં.દરમ્યાન સંદીપ ઠાકોર નો પણ નમ્બર આવ્યો સ્થળ પર ના અધિકારી એ સંદીપ ઠાકોર નો કોલ લેટર જાેતા જ શંકા ઉપજી હતી.જે અંગે વધુ તપાસ માટે ઉપરી અધિકારી ને જાણ કરતા તેમને પણ સ્થળ પર આવી કોલ લેટર ચેક કર્યો હતો
જેનો કન્ફર્મેશન નમ્બર અને બેઠક નમ્બર ઓન લાઇન ચેક કરતા કોલ લેટર બોગસ હોવા ની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
બોગસ ઉમેદવાર ની પૂછપરછ માં સામે આવ્યુ હતું કે ખેડા જિલ્લા ના પણસોલી ખાતે રહેતા રિતેશ ચૌહાણે ધોળકા ખાતે રહેતા પોતાના સાળા સંદીપ ઠાકોર માટે ખોટો કોલ લેટર બનાવ્યો હતો.ખેડા ના જ ભગાપુરા સારસા ગામ ના એલ આર ડી પરીક્ષા ના ઉમેદવાર રોહિત વિનુભાઈ પરમાર કે જેનો કોલલેટર નો કન્ફર્મેશન નમ્બર ૯૨૧૪૦૫૧૯ હતો
અને બેઠક નમ્બર ૨૦૨૦૬૦૧૩ હતો તે કોલ લેટર આરોપી રિતેશ ચૌહાણે વ્હોટ્સપ સ્ટેટ્સ માંથી મેળવી લઈ તેની પર પોતાના સાળા સંદીપ નું લખી બેઠક નમ્બર સુધારી ૨૦૨૦૧૩૬૦ કરી દઈ ખોટો કોલ લેટર બનાવી સંદીપ ને ગોધરા ખાતે ભરતી માટે મોકલી આપ્યો હતો.
આરોપી રિતેશ બોગસ ઉમેદવાર સંદીપ નો બનેવી થતો હોય વિશ્વાસ થી કોલ લેટર સાથે સંદીપ ગોધરા ખાતે ભરતી માં ભાગ લેવા માટે આવી પહોંચ્યો હતો.જ્યાં સ્થળ અધિકારી ની સતર્કતા અને પોલીસ ભરતી બોર્ડ ની પારદર્શકતા ને કારણે બારકોડ ચકાસણીમાં બોગસ કોલ લેટર સાથે સંદીપ ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સ્વચ્છ છબી ધરાવતા પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ આઈ.પી.એસ. હસમુખ પટેલે ટ્વીટ કરી આ મામલે માહિતી આપી હતી.હાલ તો આ સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ઇપીકો કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૨ મુજબ ગુનો નોંધી આરોપી બનેવી રોશન ચૌહાણ ની ધરપકડ કરી લેવા માં આવી છે.