Western Times News

Gujarati News

LRD ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

ગાંધીનગર, રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે. આ મામલે રાજ્યમાં ઠેરઠેર આંદોલનો થયા હતા અને મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી હતી. અંતે કોંગ્રેસે પણ આ મામલે ઝંપલાવાતા સરકારે બજેટ સત્ર પહેલાં જ આ આંદોલનનો સુખ:દ ઉકેલ શોધવાની કવાયત હાથ ધરી હતી.

ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી હતી.

આ મામલે એલઆરડી પરીક્ષા ભરતી વિવાદમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી-એસસી-એસટી એક્તા મંચે ઝંપલાવ્યું હતું. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લા અને તાલુકા કક્ષાએ એકતા મંચ અને ઠાકોર સેનાએ સરકારના પ્રતિનિધિઓને 2018નો પરિપત્ર રદ કરવા માંગ કરી હતી.

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કહ્યું હતું કે ખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.