Western Times News

Gujarati News

L&T હેવી એન્જિનીયરિંગે મેગા ટ્યુબ્યુલર રિએક્ટર્સ વિદેશમાં રવાના કર્યા

હઝિરા (સુરત, ગુજરાત), લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનીયરિંગ કંપનીએ ગુજરાતના હઝિરામાંથી 1,200 ટન વજન ધરાવતા એક એવા બે મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર્સ વિદેશમાં મોટા પેટ્રોકેમિકલ સંકુલને રવાના કર્યા હતા.

કોવિડ-19 મહામારીની પ્રથમ લહેર દરમિયાન વર્ષ 2020માં આ જ ક્લાયન્ટને એલએન્ડટી દ્વારા આ જ પ્રકારના ચાર રિએક્ટર્સ પૂરાં પાડવામાં આવ્યાં પછી આ પુનરાવર્તિત ઓર્ડર હતો. રિએક્ટરનું નિર્માણ સુરત નજીક હઝિરામાં એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સમાં થયું હતું.

આ અતિ જટિલ રિએક્ટર્સ પેટ્રોકેમિકલ સંકુલમાં મોનો ઇથીલીન ગ્લાકોલિનનું ઉત્પાદન કરવા માટે મહત્વપૂર્ણ ઉપકરણ છે.

આ પ્રસંગે એલએન્ડટીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, હેવી એન્જિનીયરિંગના સીનિયર વીપી અને હેડ શ્રી અનિલ વી પરબે કહ્યું હતુ કે, “આ પ્રકારનો પુનરાવર્તિત ઓર્ડર અમારી આ મોટા અને જટિલ ઉપકરણનું સંચાલન કરવાની વિશિષ્ટ ક્ષમતા તથા અભૂતપૂર્વ કોવિડ-19 મહામારી દરમિયાન પણ અમારી વિશ્વસનિય ડિલિવરીની કામગીરીમાં ગ્રાહકના વિશ્વાસનો પુરાવો છે.”

શ્રી પરબે ઉમેર્યું હતું કે, “અમે અદ્યતન ઉત્પાદનો, વિશિષ્ટ ઉત્પાદન ટેકનોલોજીના ઇન-હાઉસ વિકાસ અને વિવિધ ડિજિટલાઇઝેશન પહેલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી અમને અમારા ક્લાયન્ટના વિશ્વસનિય પાર્ટનર બનવામાં મદદ મળી છે. અમારા ક્લાયન્ટને આ પ્રકારના ચાવીરૂપ ઉપકરણ પ્રદાન કરીને, આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને સલામતીના જરૂરી ધારાધોરણો પૂર્ણ કરવા અમારા માટે અતિ ગર્વની વાત છે.”

એલએન્ડટીનું એ એમ નાયક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ એક આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતું, અદ્યતન, સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ, ડિજટલી-સક્ષમ ઉત્પાદન સુવિધા છે. તેણે “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે. એલએન્ડટીની તમામ હેવી એન્જિનીયરિંગ સુવિધાઓ એન્જિનીયર્ડ-ટૂ-ઓર્ડર ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રી 4.0 સાથે સુસજ્જ છે.

એલએન્ડટીનો હેવી એન્જિનીયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ અને ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો અને ન્યૂક્લીઅર પાવર ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સઘન ટેકનોલોજી ધરાવતા ઉપકરણ પૂરાં પાડવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.