L&Tના 1400 MW ક્ષમતા ધરાવતા નાભા પાવર પ્લાન્ટને CII એનર્જી એફિશિયન્સી સમિટ 2020માં બે એવોર્ડ મળ્યાં
મુંબઈ, એલએન્ડટી પાવર ડેવલપમેન્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નાભા પાવરે તાજેતરમાં સીઆઇઆઇ દ્વારા આયોજિત 21મા રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા બદલ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યાં હતાં. નાભા પાવર લિમિટેડને ઊર્જા વ્યવસ્થાપનમાં સતત બીજા વર્ષ માટે એની પ્રગતિશીલ કામગીરી બદલ નેશનલ એનર્જી લીડર 2020 તરીકે એવોર્ડ એનાયત થયો હતો.
નાભા પાવરને ઊર્જાદક્ષતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એક્સલન્ટ એનર્જી એફિશિયન્સી યુનિટ એવોર્ડ પણ મળ્યો હતો. આ પ્લાન્ટને સતત ચોથા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો.
એલએન્ડટીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હોલ-ટાઇમ ડાયરેક્ટર શ્રી ડી કે સેનએ આ સફળતા પર કહ્યું હતું કે, “સીઆઇઆઈના એવોર્ડ એલએન્ડટીની આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધાઓ ઊભી કરવાની અને કાર્યરત કરવાની ક્ષમતાનો પુરાવો છે. અમને પંજાબની જનતાને વર્ષોથી સતત, વાજબી ઊર્જા પ્રદાન કરવા પર તથા વર્ષોથી આ પ્રકારના એવોર્ડ મેળવવા પર ગર્વ છે.”
પ્લાન્ટને આ પ્રકારની પ્રતિષ્ઠિત સંસ્થાનો એવોર્ડ પહેલી વાર મળ્યો નથી. અગાઉ પ્લાન્ટે સતત 3 વર્ષ બેસ્ટ IPP એવોર્ડ, અમેરિકાની પીબોડી દ્વારા હાઈ એફિશિયન્સી એન્ડ સસ્ટેઇનેબિલિટી લીડરશિપ એવોર્ડ, MoP -GoI એવોર્ડ, નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ, બીઇઇ પણ મળ્યો છે.
એલએન્ડટી પંજાબના રાજપુરામાં 2×700 MWની ક્ષમતા ધરાવતો નાભા પાવર પ્લાન્ટ ધરાવે છે અને એને ઓપરેટ કરે છે. પ્લાન્ટ અત્યાધુનિક જાપાનીઝ ટેકનોલોજી ધરાવે છે અને ફેબ્રુઆરી, 2014માં કાર્યરત થયો હતો. એને છેલ્લાં 6 વર્ષમાં કેટલાંક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યાં છે.
નાભા પાવર PSPCLને ~48,000 MU ઊર્જા પૂરી પાડે છે અને પંજાબમાં સૌથી વધુ વીજળી પ્રદાન કરતી કંપનીઓ પૈકીની એક છે, જેણે સરેરાશ 73% PLF સાથે રાષ્ટ્રીય સરેરાશ 55% કરતાં વધારે સફળતા મેળવી છે. રાજ્યની અંદર વિવિધ થર્મલ પ્લાન્ટ વચ્ચે આ ટોચના પ્લાન્ટમાં સ્થાન ધરાવે છે, કારણ કે પ્લાન્ટ 2268 Kcal/KWhનો હીટ રેટ ધરાવે છે અને ખનીજનો સ્ત્રોત 1500 કિલોમીટરના અંતરે સ્થિત હોવા છતાં પાવરના યુનિટદીઠ રૂ. 2.91નો સસ્તો ખર્ચ ધરાવે છે, જે સૌથી સસ્તાં ખર્ચ ધરાવતા થર્મલ પ્લાન્ટ પૈકીનો એક છે.