ગૃહ ઉદ્યોગના ચણા મિસ બ્રાંન્ડેડ થતા પેઢીને રૂ.૧ લાખનો દંડ કરાયો
કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા દ્વારા અગાઉ તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા
ગાંધીનગર, કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા દ્વારા પેથાપુરમાં સ્થિત લુંબાજી મોટાજી ગૃહ ઉદ્યોગ ખાતે તપાસ કરવામાં આવી હતી જયારે આ તપાસ દરમિયાન સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ તપાસના અંતે ગૃહ ઉદ્યોગના સ્પેશિયલ ચણા મિસ બ્રાન્ડેડ જાહેર થયા હતા જયારે એજયુડીકેટીંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે સુનાવણીના અંતે આ પેઢીને રૂ.૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ખાદ્ય સામગ્રીમાં ગુણવત્તા જળવાય તે અત્યંત અનિવાર્ય છે ગાંધીનગરમાં પણ કોર્પોરેશનના તંત્ર દ્વારા આ મામલે સમયાંતરે તપાસ કરવામાં આવે છે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ વધી રહી છે. આવા સંજોગોમાં કોર્પોરેશનનું તંત્ર પણ એક્ટિવ બન્યું છે કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને આવી ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવે છે જયારે આ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.
આમ નાગરિકોના આરોય સામે કોઈ ખતરો મંડરાય નહી તે માટે ફૂડ સેફટીની ટીમ હરકતમાં આવી છે જેને અનુલક્ષી લારી ગલ્લા તેમજ વિવિધ કંપનીઓ અને ગૃહ ઉદ્યોગોમાં પણ આ મામલે સમયાંતરે તપાસ કરવામાં આવે છે તંત્રની ફૂડ શાખા દ્વારા ગાંધીનગર પાસે સ્થિત પેથાપુરમાં લુંબાજી મોટાજી ગૃહ ઉદ્યોગ ખાતે તપાસ કરવામાં આવી હતી
જયારે આ જગ્યાએથી જુદી જુદી ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જયારે આ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જયારે આ તપાસના અંતે પ૦૦ ગ્રામ પેકમાં ઉપલબ્ધ લુંબાજી મોટા સ્પેશિયલ ચણાનું સેમ્પલ મિસબ્રાન્ડેડ હોવાનું સ્પષ્ટ થયું હતું. આમામલે ગત ૧૮ એપ્રિલ ર૦ર૩ના રોજ એજયુડીકેટીંગ ઓફિસર અને અધિક જિલ્લા કલેકટર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે ગત ૧૧ ડીસે.ના રોજ કોર્ટ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જયારે આ કેસમાં પેઢીના તમામ જવાબદારોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે રૂ.૧ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી શાખા દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા મામલે આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.