લખનૌ: મોબાઈલ ડિલીવરી કરવા આવેલા શખ્સની હત્યા કરાઈ
લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૩૦ વર્ષીય ડિલિવરી બોયની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. ડિલિવરી બોય એક ગ્રાહકને આઈફોન ડિલિવરી કરવા ગયો હતો. ગ્રાહકે ડિલિવરી બોયની હત્યા કરી હતી જેથી તેને કેશ ઓન ડિલિવરીના ૧.૫ લાખ રૂપિયા ન ચૂકવવા પડે. એક પોલીસ અધિકારીએ સમાચાર એજન્સીને આ માહિતી આપી હતી.
મળતી માહિતી મુજબ, હત્યા બાદ ડિલિવરી બોયના મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને તેને શોધવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને બોલાવવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશાંક સિંઘે જણાવ્યું હતું કે, ચિનહટના ગજાનને ફ્લિપકાર્ટ પરથી આશરે ૧.૫ લાખ રૂપિયાની કિંમતનો આઈફોન મંગાવ્યો હતો અને કેશ ઓન ડિલિવરી પેમેન્ટનો વિકલ્પ પસંદ કર્યાે હતો. ૨૩ સપ્ટેમ્બરે નિશાતગંજમાં રહેતો ડિલિવરી બોય ભરત સાહુ તેના ઘરે ફોનની ડિલિવરી કરવા ગયો હતો.
જ્યાં ગજાનન અને તેના મિત્રોએ તેની હત્યા કરી હતી. સાહુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને બોરીમાં ભરીને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી. જ્યારે સાહુ બે દિવસ સુધી ઘરે પરત ન ફર્યાે ત્યારે તેના પરિવારે ૨૫ સપ્ટેમ્બરે ચિનહટ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
સાહુની કોલ ડિટેઈલ સ્કેન કરતી વખતે અને તેનું લોકેશન શોધતી વખતે પોલીસે ગજાનનનો નંબર શોધી કાઢ્યો અને તેના મિત્ર આકાશ સુધી પહોંચ્યા હતા. ડીસીપીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આકાશે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
હત્યા બાદ આકાશ પણ મુંબઈ ભાગી ગયો હતો. જો કે હજુ સુધી પોલીસને લાશ મળી નથી. ડીસીપીએ કહ્યું કે, એસડીઆરએફની ટીમ પીડિતના મૃતદેહને કેનાલમાં શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં મૃતદેહ મળી આવશે.SS1MS