Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટમાં બેગ તોડીને સામાનની ચોરી

અમદાવાદ, છેલ્લા કેટલાક વખતથી અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરોની બેગમાંથી કીમતી સામાનની ચોરી થવાની ઘટના બની રહી છે. શનિવારે રાતે વિયેટજેટની ફ્લાઈટમાં મલેશિયાથી અમદાવાદ આવતા એક પરિવારની બેગમાંથી ત્રણ દેશની કરન્સી, તેમજ સોનાના દાગીના સહિતનો કીમતી સમાન મળીને કુલ પાંચ લાખની ચોરી થઇ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ઊતરતા જ કન્વેયર બેલ્ટ પરથી બેગ હાથમાં આવી તો ખૂલેલી હતી અને તેમાંથી કીમતી સામાન ગાયબ હોવાની જાણ એરલાઇનને લેખિતમાં કર્યા બાદ પેસેન્જરે ૧૦૦ નંબર કંટ્રોલ પર મેસેજ કરી પોલીસ બોલાવી હતી. સીઆઇએસએફની મદદથી પોલીસે ટર્મિનલમાં આવી એરલાઇનના સ્ટાફ સહિતનાનાં નિવેદન લઇ તપાસ શરૂ કરી છે.

પેસેન્જર નિકુંજ પટેલે જણાવ્યું કે ‘મલેશિયામાં મારી દીકરીની તબિયત બગડતાં પરિવાર સાથે વિયેટનામ પહોંચ્યો હતો જ્યાં મલેશિયામાં નવ બેગ ચેકઇન કરાવી હતી. શનિવારે અમદાવાદ આવ્યા પછી કન્વેયર બેલ્ટ પરથી સામાન લીધા બાદ સફેદ બેગ બેલ્ટ બહાર દેખાતા બેગ ચેક કરતાં ખબર પડી હતી કે, બેગમાંથી કીમતી સામાનની ચોરી થઈ છે. એરલાઈનને ફરિયાદ કર્યા પછી ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ બોલાવાઈ હતી.

વિદેશથી આવતા પેસેન્જરોની બેગમાંથી કીમતી સમાન ચોરી થાય તો જે તે એરલાઇન મિસિંગ ડિક્લેરેશન લગેજ ફોર્મ ભરાવે છે. તે અમુક સમયસમય મર્યાદામાં ન મળે તો એરલાઇનને આપેલા ડિક્લેરેશન મુજબ વળતર આપવું પડે છે. પરંતુ આ ઘટનામાં પેસેન્જરે એરપોર્ટમાં પોલીસ બોલાવી દીધી હતી.

પેસેન્જરે પોતાની બેગમાં સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયાની ૩ લાખની કરન્સી  રૂ.૫૦ હજાર ઈન્ડિયન કરન્સીની નોટો મૂકી હતી. જ્યારે ૧.૫૦ લાખની કિંમતનો સોનાનો દોરો પણ હતો.

એરપોર્ટ પર ફલાઇટ આવે ત્યારે પેસેન્જરોનો તમામ લગેજ પહેલાં બેગેજ મેકઅપ એરિયામાં (બીએમએ) આવે છે ત્યાં એક સ્કેનર મશીનમાં બેગોનું સ્કેનિંગ કરી કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.