પશુઓમાં લમ્પી સ્કીન નામનો રોગ જાેવા મળ્યો
(એજન્સી)ગાંધીનગર, કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જાેવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે તકેદારી રાખવાની જરૂર છે. મંત્રીએ ઉમેર્યું કે, હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ૧૧ જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જાેવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જાેવા મળ્યો છે.
પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.