લમ્પી વાયરસથી અબોલ પશુઓને બચાવવા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી
પાટણમાં પશુપાલન વિભાગ દ્વારા કુલ ૧,૪૬,૯૭૬ જેટલા પશુઓનું રસીકરણ કરાયુ
(માહિતી બ્યુરો,પાટણ) રાજ્યમાં લમ્પી વાયરસને અટકાવવા માટે સરકાર સતર્ક છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં પ્રથમ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝને અટકાવવા માટે યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધી ૫,૩૩૧ પશુઓ સંક્રમિત થયા. જે પૈકી ૩,૨૧૯ પશુઓ રોગમુક્ત થયા છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જેથી લમ્પી વાયરસના કહેરમાંથી અબોલ પશુઓને બચાવી શકાય.
પાટણ જિલ્લાનાં સાંતલપુરમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ કેસ આવ્યો ત્યારે લોકોમાં અને ખાસ કરીને પશુપાલકોમાં ડર વ્યાપી ગયો હતો.
પશુપાલન વિભાગ દ્વારા ન માત્ર પશુપાલકોનો ડર દુર કરવામાં આવ્યો પરંતુ લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી પણ શરૂ કરવામાં આવી. જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ટીમોને કામે લગાવવામાં આવી તેમજ પશુપાલન વિભાગ અને ડેરીના વેટરનરી ડોક્ટર્સના સંયુક્ત પ્રયાસથી અબોલ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે સારવાર પણ કરવામાં આવી. વહીવટી તંત્રએ ૫૮ જેટલા ડૉક્ટર્સની ટીમોને સર્વેની કામે લાગી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લમ્પી વાયરસથી અબોલ પશુઓને બચાવવા રસીકરણની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો. જે બાદ પશુપાલન વિભાગ દ્વારા પુરજાેશમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી. જેનું ખુબ સારુ પરિણામ પણ મળી આવ્યું છે.
અત્યાર સુધી પાટણ જિલ્લામાં કુલ ૧,૪૬,૯૭૬ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેથી રીકવરીનું પ્રમાણ પણ જાેવા મળી રહ્યુ છે. આજે જિલ્લામાં ૫,૩૩૧ સંક્રમીત પશુઓ પૈકી ૩,૨૧૯ પશુઓ રોગમુક્ત થયા છે. આ રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકીના માર્ગદર્શન થી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં સંક્રમિત પશુઓ જાેવા મળે તો તેને તુરંત જ સારવાર આપીને તેનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યુ છે. જેથી જિલ્લામાં લમ્પી વાયરસ સંક્રમિત મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જિલ્લામાં ઝડપી રસીકરણ દ્વારા પશુઓનો જીવ બચાવવો તેમજ પશુપાલકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે યુદ્ધના ધોરણે જિલ્લા પશુપાલન વિભાગ તેમજ આનુષાંગિક સંસ્થાઓ, દૂધ સંઘો, તેમજ વિવિધ ગામડાઓમાં ફરી મોબાઈલ પશુ દવાખાના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
તદઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સુચનાથી ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રી, તલાટીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસરોને પશુ મૃતદેહ નિકાલની કામગીરી સત્વરે થાય અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર આવતા લોકો અને ખાસ કરીને પશુપાલકો ગભરાટ છે. પરંતુ લમ્પી વાયરસ પર ગભરાઈને નહી પરંતુ તકેદારીથી નિયંત્રણ મેળવી શકાય છે. આ વાયરસને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્રારા પશુદવાખાના ખાતે હોર્ડીગ પર તથા દુધ મંડળી ખાતે પેમ્પફ્લેટ પત્રિકાઓ, તેમજ સોશીયલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને મોબાઇલ ગ્રુપ દ્વારા વધુમાં વધુ લોકોને આ રોગ વિશે જાણકારી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ જાણકારી થકી પાટણ જિલ્લામાં લમ્પી વાયરસ મામલે જાગૃતતા આવી છે.