નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩.૩૩ લાખથી વધુ પશુઓમાં રસીકરણ

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એજણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
પ્રવકતા મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામા સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, રાજયના કચ્છ,જામનગર, દેવભુમિ દ્વારકા રાજકોટ,પોરબંદર ,મોરબી સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા , સુરત અને પાટણમાં ગાય ભેસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના ૧૪ જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે,આ રોગના નિયંત્રણ અને નિયમિત સમીક્ષા હેતુ જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ પણા હેઠળની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.રાજ્યના કુલ ૧૫ જિલ્લાઓના ૧૨૨૨ ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળેલ અને તેમાં તમામ અસરગ્રસ્ત ૪૩,૧૮૭ પશુઓને સારવાર આપવામાં આવેલ છે. અત્યાર સુધી ૧૦૬૬ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.
મંત્રી શ્રી એ કહ્યુ કે,નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩.૩૩ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.હાલમાં આ ૧૫ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૧૫૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૪૩૮ પશુધન નિરિક્ષકો અને ૨૭૨ આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.
પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ પર ખાસ સુવિધા સાથે નરોડા અમદાવાદ ખાતે પશુપાલન ખાતાના અધિકારીઓના ૨૪ કલાક મોનીટરીંગ સાથે ખાસ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું છે.