M.S.યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીનુ ભૂત ફરી ધુણ્યું
વડોદરા: વારંવાર વિવાદમાં રહેનાર એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ડિગ્રી વેરીફીકેશન બાદ ૨૦ ડિગ્રી બોગસ હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ ડિગ્રી મામલે યુનિવર્સિટીએ ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો મેદાનમાં આવ્યા છે.
એમ.એસ. યુનિવર્સિટીમાં દર વર્ષની જેમ વર્ષ ૨૦૧૯માં ખાનગી એજન્સી મારફતે ૬૪૫ ડિગ્રી વેરીફીકેશન કરાવવામાં આવી હતી. જેમાંથી ૨૦ ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું. જેના કારણે યુનિવર્સિટી તંત્રએ માત્ર બોગસ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને જાણ કરી સંતોષ માન્યો હતો. યુનિવર્સિટી તંત્રએ બોગસ ડિગ્રી મામલે પોલીસમાં ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. સેનેટ સભ્યોનો આરોપ છે કે, બોગસ ડિગ્રીમાં યુનિવર્સિટીનાં સત્તાધીશો અને ભાજપનાં હોદ્દેદારો સામેલ છે. જેના કારણે રાજકીય દબાણ હોવાથી યુનિવર્સિટી તંત્ર પોલીસ ફરિયાદ નોધાવી નથી રહી.
યુનિવર્સિટીએ બોગસ ડિગ્રી મામલે કોઈ પણ રાજકીય દબાણને વશ થયા વગર પોલીસ ફરિયાદ નોંધાવીને જે પણ સંડોવાયેલા છે તેમના નામ બહાર પાડવા જોઈએ. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે વાતચીત કરતાકહ્યું કે, છેલ્લા ૧૫ વર્ષની ડીગ્રી તપાસવામાં આવે તો હજારો ડિગ્રી બોગસ હોવાનો ઘટસ્ફોટ થઈ શકે છે.
બોગસ ડીગ્રી મામલે યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરે કહ્યું કે, સમગ્ર મામલે યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી છે. તપાસ બાદ યુનિવર્સિટી તંત્ર લીગલ એક્શન લેશે.
વાઈસ ચાન્સેલરે પોલીસ ફરિયાદ કરાશે કે કેમ તે પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. ભુતકાળમાં પણ યુનિ પરીક્ષા વિભાગની ચકાસણીમાં બોગસ માર્કશીટનો પર્દાફાશ થયો હતો, ત્યારે યુનિવર્સિટી સત્તાઘીશો આ મામલે મૂળ સુઘી કેમ તપાસ નથી કરતી તે પણ એક સવાલ છે. જે વિધાર્થીએ આ માર્કશીટ કયાં મેળવી, તેના મૂળ સુઘી યુનિ. સત્તાઘીશો તપાસ કરે તો બોગસ માર્કશીટ મામલે કોભાંડનો પર્દાફાશ થઇ શકે. નકલી માર્કશીટ પર યુનિ.નાં હોલોગ્રામ અને વોટરમાર્ક સિમ્બોલની પણ ચકાસણી કરવામાં આવે તો સમગ્ર બોગસ સ્કેમ મામલે ચોંકવનારા ખુલાસા સામે આવી શકે છે.
મહત્વની વાત છે કે એમ એસ યુનિ.માં બોગસ ડીગ્રીનાં મામલે પહેલીવાર નથી. અગાઉ પણ બોગસ ડીગ્રી અને એડમિશનનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ ફરિયાદ નોધાઇ હતી અને અનેક ભાજપનાં હોદ્દેદારોનાં નામ સામે આવ્યા હતા. જેથી યુનિવર્સિટી તંત્ર આ વખતે પણ પોલીસ ફરિયાદ કરશે તો ચોક્કસથી અનેક મોટા માથાઓનાં ચહેરા બેનકાબ થઈ શકે છે.