Western Times News

Gujarati News

મીઠાના રણમાં પહોંચ્યા મા નર્મદાના નીરઃ ચાતક નજરે પાણીની રાહ જાેતા લાખો ખેડૂતોની આશા ફળી

બનાસકાંઠાના સરહદી ગામ લોદ્રાણીમાં નર્મદાના નીર પહોંચવાથી સિંચાઇની સુવિધાનો લાભ થશે

(માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજના બનાસકાંઠા જિલ્લા માટે રણમાં મીઠી વીરડી સમાન સાબિત થઇ છે. બનાસકાંઠા જિલ્લો કચ્છના રણને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લાના ઘણા ગામડાઓ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા છે. આવા ગામોમાં સૂઇગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આજે આપણે એક એવા જ ગામ વાવ તાલુકાના લોદ્રાણીની વાત કરવી છે. વાવ તાલુકાનું લોદ્રાણી ગામ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૩૨ કિ.મી.ના અંતરે આવેલું છે. આ વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી ભૂજળ ખારા છે. આ ગામની મુલાકાત લેતાં કચ્છના સફેદ રણમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. આ ગામની આશરે કુલ બે હજાર જેટલી વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે.

વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઇની સમસ્યાઓનો કાયમી અંત આવશે. લોદ્રાણી ગામના અગ્રણીશ્રી શ્રવણભાઇ રાણાભાઇ મણવરે જણાવ્યું કે, આજથી આઠ દસ વર્ષ પહેલાં ગામમાં નહેર તો આવી હતી, પરંતું છેવાડાનું ગામ હોવાથી અહીં સુધી પાણી પહોંચતું નહોતું, અહીં તો પીવાના પાણીના પણ ફાંફા હતા પરંતું આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે અમારી ચિંતા કરી અહીં સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું છે.

અમારા ગામના આથમણી નામના તળાવને ભરવાનું કામ નર્મદા નિગમે કર્યુ છે જેનાથી ખેડુતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે. લોદ્રાણીના ઠાકરશીભાઇ જેઠાભાઇ દેસાઇએ જણાવ્યું કે, અમારા ગામમાં સરકારે નર્મદાનું પાણી પહોંચાડ્યું છે એ બદલ સરકારનો આભાર માનું છું. અમે ખેતરમાં પ્રથમ વખત જીરા નું વાવેતર કર્યુ છે. આ રીતે નિયમિત પાણી મળતું રહે એવી સરકારને વિનંતી કરીએ છીએ.

માલધારીશ્રી માનાભાઇ પાંચાભાઇ રબારીએ જણાવ્યું કે, આ ગામની ૩ હજારથી વધુ ગાયોને ચરાવવાનું કામ કરું છું. સરકારે અમારા ગામમાં નર્મદાના નીર પહોંચાડી ખુબ મોટું સેવાનું કામ કર્યુ છે. અમે પાણી જાેઇને ખુબ ખુશ થયા છીએ એટલે સરકારને આશીર્વાદ આપીએ છીએ કે તમે અમારા જીવતે જીવ અમારા ગામમાં પાણી પહોંચાડ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જાેતા લાખો બનાસવાસીઓનું સપનું વર્ષ-૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સાકાર કર્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.