આ કપલે અમેરિકા જવા એજન્ટ સાથે ૧ કરોડમાં સોદો કર્યો પરંતુ એરપોર્ટ પર જ પકડાઈ ગયાં
૨૦૧૮માં પણ ફેક પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરનારા આ કપલને આયર્લેન્ડથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યું હતું
(એજન્સી) અમદાવાદ,અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગમે તે કરવા તૈયાર હોય છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ખેડાના એક દંપતીની પૂછપરછમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ખેડાના સિંગાલી ગામના વતની એવા હિતેષ પટેલ અને તેમના પત્ની બિનલ પટેલ છેડછાડ કરાયેલા પાસપોર્ટ સાથે દુબઈ-મેક્સિકોના રુટ પર અમેરિકા જવા નીકળ્યા હતા.
પરંતુ તેઓ ફ્લાઈટ પકડે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર તેઓ પકડાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકા જવા માટે હિતેષના પત્ની બિનલે સરકારી નોકરી પણ છોડી દીધી હતી. બિનલ પટેલ ખેડા જિલ્લાની એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા હતાં.
પરંતુ પતિ સાથે અમેરિકા જઈ સેટલ થવાની લાલચમાં તેમણે પોતાની નોકરી છોડી દીધી હતી. આ દંપતી ૨૦૧૮માં પણ ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળ્યું હતું, પરંતુ આયર્લેન્ડ પહોંચતા જ તેમની પાસે ફેક પાસપોર્ટ હોવાનું બહાર આવતા તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.
અમેરિકા જવાના તે નિષ્ફળ પ્રયાસ બાદ હિતેષે મુંબઈના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, જેણે ૧ કરોડ રુપિયામાં હિતેષ, બિનલ અને તેમની ચાર વર્ષની દીકરીને અમેરિકા મોકલી દેવાનું કામ હાથ પર લીધું હતું. હિતેષના બહેન-બનેવી અમેરિકામાં સેટલ થયેલા છે. આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર હિતેષના બનેવીએ જ એજન્ટ સાથે તેની ઓળખાણ કરાવી હતી.
એજન્ટે તેમની પાસેથી જૂનો પાસપોર્ટ લઈને નવો પાસપોર્ટ આપ્યો હતો. પોલીસને શંકા છે કે એજન્ટે પાસપોર્ટમાં ડિપોર્ટ થયાના સ્ટેમ્પ લાગેલા કેટલાક પાનાં કાઢીને તેમાં નવા કોરાં પાના લગાવી દીધા છે. જેથી હિતેષ અને બિનલ અગાઉ ડિપોર્ટ થયા હતા તેનો કોઈ રેકોર્ડ ના રહે. અમેરિકામાં સેટલ થયેલા બહેન-બનેવી સારું કમાતા હોવાથી તેમને જાેઈ હિતેષ અને બિનલ પણ કોઈપણ ભોગે અમેરિકા જવા માગતા હતા.
એજન્ટ સાથે તેના માટે ૧ કરોડ રુપિયાનો સોદો કરીને તેમણે પુરી તૈયારી પણ કરી હતી. તેમની પાસે છેડછાડ કરાયેલા પાસપોર્ટ પણ આવી ગયા હતા, અને તેઓ દુબઈથી મેક્સિકો પહોંચવા માટે અમદાવાદ ફ્લાઈટ પકડવા આવી પહોંચ્યા હતા. જાેકે, રવિવારે મોડી રાત્રે એરપોર્ટ પર પાસપોર્ટ, બોર્ડિંગ પાસ સહિતના દસ્તાવેજાેની ચકાસણી થઈ રહી હતી ત્યારે ફરજ પરના અધિકારીને ખેડાના આ કપલ પર શંકા ગઈ હતી.
હિતેષ અને બિનલ અગાઉ ડિપોર્ટ થયા હતા તેનો સિસ્ટમમાં રેકોર્ડ હતો, પરંતુ પાસપોર્ટમાં તેના કોઈ સ્ટેમ્પ જાેવા ના મળતા તેમના પાસપોર્ટમાં છેડછાડ કરાઈ હોવાનું કન્ફર્મ થયું હતું. આખરે આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા આ કપલને ફ્લાઈટમાં બેસતું અટકાવાયું હતું. એરપોર્ટ પર પહોંચેલી પોલીસે તેમની વિરુદ્ધ દસ્તાવેજમાં છેડછાડ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.