ભારતની ગોલી સોડા બની ગ્લોબલ: MADE IN GUJARAT સોડાનો સ્વાદ પહોંચી રહ્યો છે સાત સમંદર પાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/golisoda-1024x735.jpg)
કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ગોલી પોપ સોડાના પ્રથમ દરિયાઈ શિપમેન્ટને રવાના કર્યું
યુકે, યુરોપ અને ગલ્ફ દેશોમાં સફળ ટ્રાયલ શિપમેન્ટ બાદ લુલુ હાઇપરમાર્કેટ સાથે સતત સપ્લાય માટે ભાગીદારી
બંટા સોડા, ગોલીપોપ સોડા, લીલી બાટલીવાળી સોડા આ નામથી આપણી પ્રિય સોડા માત્ર બાળપણ જ નહીં પણ જીવનભરની અનેક યાદોમાં કેદ છે. અને હવે યુકે અમેરિકા કે સાઉદી અરબ દેશોના લોકોને બંટા સોડા ફોડતા જુઓ તો નવાઈ પામશો નહીં. કારણ કે ભારત અને ગુજરાતમાં પરંપરાગત અને વ્યાપક પીવાતું આ ઠંડુ પીણું હવે વૈશ્વિક બજાર સુધી પહોંચતું થયું છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ભરૂચથી ગોલી પોપ સોડાના પ્રથમ દરિયાઈ શિપમેન્ટને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરાવ્યું છે. જેથી MADE IN GUJARAT સોડાનો સ્વાદ હવે સાત સમંદર પાર
પહોંચી રહ્યો છે તેમ ગર્વભેર કહી શકાય.
ગોલી પોપ સોડા તે ભારતની આઇકોનિક ગોલી સોડાનું આધુનિક પુનરુત્થાન છે. તે તેના સ્વાદ અને નવીન પોપ-ઓપનર મિકેનિઝમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી ચૂકી છે.
વિવિધ ફ્લેવર્સમાં તથા સુગર ફ્રી વેરિઅન્ટમાં પણ તે ઉપલબ્ધ છે. ભરૂચમાં ઉત્પાદિત થતી આ સોડાના સફળ ટ્રાયલ શિપમેન્ટ યુકે, યુરોપ અને ગલ્ફ દેશોમાં કરવામાં આવ્યા છે. જે બાદ ABNN એક્સપોર્ટ્સને ગલ્ફ ક્ષેત્રની સૌથી મોટી રિટેલ ચેન પૈકીની એક ‘લુલુ હાઇપરમાર્કેટ’ને સતત સપ્લાય માટે ફેર એક્સપોર્ટ્સ ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને નોંધપાત્ર સિદ્ધિ મળી છે. જેના પરિણામે આવનારા દિવસોમાં વિશ્વભરના મોલ્સમાં ગોલી પૉપ સોડા જોવા મળશે.
વર્ચ્યુઅલ ફ્લેગ-ઓફ ઇવેન્ટ દરમિયાન APEDAના ચેરમેન શ્રી અભિષેક દેવે વૈશ્વિક બજારોમાં ભારતીય બ્રાન્ડ્સને ટેકો આપવા અને અનન્ય ભારતીય નોન-આલ્કોહોલિક પીણાંની નિકાસને પ્રોત્સાહન આપવા માટેની APEDAની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. APEDA લંડન, UKમાં ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ ડ્રિંક ઇવેન્ટ (IFE), દક્ષિણ કોરિયામાં સિઓલ ફૂડ એન્ડ હોટેલ, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં બિગ સેવન,
ન્યૂયોર્ક, યુએસએમાં સમર ફેન્સી ફૂડ શો અને ફાઇન ફૂડ ઓસ્ટ્રેલિયા જેવા મોટા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ પ્રદર્શનો દ્વારા, APEDAનો ઉદ્દેશ્ય ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી કરીને વૈશ્વિક ખાદ્ય અને પીણા ક્ષેત્રમાં ભારતની હાજરીને વધારવાનો છે. APEDAનું ગુજરાત એકમ પણ આ પ્રકારના અન્ય ઉત્પાદકોને એક્સપોર્ટમાં સહાયરૂપ બનવા પ્રતિબદ્ધ છે. એમ તેમણે જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાત અને ભારતનો આ સ્વાદ ઉપહાર પહોંચી જવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ‘મેઇક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’નો સંકલ્પ સાકાર થતો જણાઈ રહ્યો છે. સાથોસાથ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું હોવાની વાત પર પણ મહોર લાગી છે.