બિન ઉપયોગી કપડામાંથી ૨૫૦૦થી વધુ બેગ બનાવી પર્યાવરણ બચાવોનો સંદેશો પાઠવ્યો
પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટે તે હેતુસર જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો અવનવો અભિગમ
(પ્રતિનિધિ) ભરૂચ, ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે અને તેમાંય ભરૂચ જીલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારો માંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું
અને તેમાંથી વધેલા કપડાનો સદ ઉપયોગ કરી કપડાની ૨૫૦૦ થી વધુ બેગો બનાવી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટે તે હેતુથી અને લોકોમાં જાગૃત આવે તે માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે સાથે આ સંસ્થા દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે.જેમાંનો એક પ્રોજેક્ટ મુસ્કાન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ શહેર અને જીલ્લામાં વિસ્તારોમાં ફરીને બિન ઉપયોગી કપડા હોય અને ઘરમાં વાપરી ન શકાતા હોય
તેવા કપડાઓ એકત્ર કરી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યા હતા અને તેમાંથી વધેલા અન્ય કપડાઓનો સદ ઉપયોગ કરી શકાય તે હેતુથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનોએ રાત દિવસ મહેનત કરી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ચાલી રહેલા સીવણ તાલીમ ક્લાસમાં વધેલા કાપડાઓમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવી બેગો તૈયાર કરી હતી અને અંદાજે ૨૫૦૦ થી વધુ કાપડની થેલીઓ બનાવવામાં આવી છે.
પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકો કાપડની થેલીઓનો ઉપયોગ વધુ થાય તે હેતુથી ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નીતિન માને તથા જિજ્ઞાસા ગોસ્વામી માનેની ઉપસ્થિતિમાં શાકભાજી બજાર શક્તિનાથમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહેમાન તરીકે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સ્થાનિક કોર્પોરેટર હેમાલીબેન રાણા,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા સહિત સ્થાનિકોએ ઉપસ્થિત રહી સંસ્થાની બહેનોની હાજરીમાં શાકભાજી બજારમાં શક્તિનાથ,દાંડિયા બજાર, તુલસીધામ,
ધોળીકુઈ સહિતના વિવિધ શાકભાજી બજારમાં ખરીદી કરતી ગૃહિણીઓ અને ગ્રાહકોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા માટે જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેમજ આ જ પ્લાસ્ટિકનો જથ્થો કચરાપેટીમાં એકત્ર થવાના કારણે રખડતા મોંઘા પશુઓમાં ગાય કે જેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓના વાસ હોય છે તેઓ આરોગતા હોય છે અને તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાના કારણે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે
અને આ જ અભિગમ અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ અપનાવે તો ભરૂચ જીલ્લો પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત બની શકે તેમ છે અને લોકોમાં જાગૃતતા આવે તો લોકો પણ કાપડની થેલીનો ઉપયોગ કરવા તરફ વળી શકે છે અને પર્યાવરણનો પણ બચાવ થઈ શકે તેઓ સંદેશો માનવામાં આવે છે.