માધવપુરામાં લઠ્ઠાકાંડની અફવાથી પોલીસ દોડતી થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/daru.jpg)
(એજન્સી)અમદાવાદ, લઠ્ઠાકાંડનું નામ સાંભળતાની સાથે જ પોલીસનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. આજે સવારે માધવપુરામાં લઠ્ઠાકાંડની અફવાએ જોર પકડતાની સાથે જ પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી. વહેલ સવારથી શહેર પોલીસે વિવિધ દારૂના અડ્ડા પર દરોડો પાડયો હતો. માધવપુરામાં વહેલી સવારે એક વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું.
જેથી પોલીસ હરકતમાં આવી હતી. જો કે, મરનાર વ્યક્તિને ટીબીની બીમારીહોવાથી તેને શ્વાસ ચઢયો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનું મૃત્યુ થયું છે. લઠ્ઠાકાંડની અફવાના કારણે પોલીસ દોડતી થઈ હતી અને શહેરના તમામ દારૂના અડ્ડા તાબડતોડ બંધ કરાવી દીધા હતા.
માધવપુરા વિસ્તારમાં રહેતા અને દારૂના ધંધા સાથે સંકળાયેલા એક બુટલેગરે વહેલી સવારે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો કે દેશી દારૂ પીવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવતાની સાથે જ શહેર પોલીસમાં લઠ્ઠાકાંડ થયો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. માધવપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારી પણ દોડી આવ્યા હતા.
યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. જેમાં તેને ટીબીની બીમારી હોવાનું સામે આવ્યું હતું. યુવક ટીબીની બીમારીથી પીડાતો હતો અને વહેલી પરોઢે તેને શ્વાસ ચઢવાનું શરૂ થયું હતું. શ્વાસ ચઢતાની સાથે જ યુવકને સારવાર માટે ખસેડાયો હતો.
જ્યાં તેનું મોત થયું છે. યુવકનું મોત બીમારીથી થયું છે તે વાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે ત્યારે સાચી હકીકત શું છે તે આવનારા સમયમાં જાણવા મળશે. બુટલેગરે દારૂ પીવાથી મોત થયું હોવાનો ફોન કરતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. પોલીસબેડામાં લઠ્ઠાકાંડ થયો હોવાની વાતો વહેતી થતાં દોડધામ મચી ગઈ હતી. પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહેલી પરોઢે તમામ પોલીસ બંધ કરી દેવા માટેની સૂચના આપી હતી.
પીસીબીની સૂચના બાદ સ્થાનિક પોલીસે દેશી દારૂના અડ્ડા પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લઠ્ઠાકાંડની અફવા છે કે પછી હકીકત તે વાત હજુ સુધી સમજાતી નથી કારણ કે, છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં બીજી અને રાજ્યમાં ત્રીજી ઘટના બની છે. ખોખરામાં દેશી દારૂ પીવાના કારણે એક શંકાસ્પદ વ્યક્તિનું કરૂણ મોત થયું હતું. જો કે પોલીસે આ ઘટનાને દબાવી દીધી હતી અને બીમારીના કારણે મોત થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ વ્યક્તિના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી જેમાં પણ પોલીસે જીરા સોડા પીવાથી તેમના મોત થયા હોવાની વાર્તા કરી હતી.