ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં

માધવપુર મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
માધવપુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
દ્વારકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મૃતિ ઉત્સવરૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૧૮થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે.
તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહિં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતિક છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રુકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાÂત્મક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સંસ્કૃતિમાં અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ખાન-પાન વ્યંજનો, હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન-પ્રદાનથી ભલિભાંતિ સાકાર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ મેળો માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે લોકકલાને માણવાનો અવસર નહિં પરંતુ બીચ સ્પોર્ટ્સ જેવી સાહસિક રમતોની સ્પર્ધાનો ઉત્સવ બને તેની પણ કાળજી લીધી છે તેમ ઉમેર્યું હતું. તેમણે ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર આખોય વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરીઝમ બની રહ્યો છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સ્થળોએ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા રાજ્ય સરકાર કનેક્ટિવિટીને વધુ સંગીન બનાવી રહી છે.