કોરોનાના ડરનો ગેરલાભ ઊઠાવવાને પગલે મદ્રાસ હાઇકોર્ટે પતંજલિને દસ લાખનો દંડ ફટકાર્યો
ચેન્નાઇ, મદ્રાસ હાઇકોર્ટે (Madras Highcourt Baba Ramdev Patanjali) બાબા રામદેવની પતંજલિ કંપનીને દસ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો અને કહ્યું હતું કે કંપની કોરોનીલના નામે જે દવા કોરોનાની સારવાર તરીકે ગણાવે છે એ માત્ર શરદી -ઊધરસ અને તાવની દવા છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોમાં કોરોનાનો જે ડર પ્રવર્તી રહ્યો છે એનો પતંજલિ કંપની ગેરલાભ લઇ રહી હતી.
હાઇકોર્ટે કોરોનીલ નામ પણ નહીં વાપરવાની તાકીદ પતંજલિને કરી હતી. અગાઉ પતંજલિએ કોરોનાની દવા તરીકે કોરોનીલનો પ્રચાર કર્યો હતો. કેન્દ્ર સરકારે એ પ્રચાર અટકાવતાં પતંજલિએ આ દવા ઇમ્યુનિટી બસ્ટર હોવાનો દાવો કર્યો હતો.
ચેન્નાઇની એક કંપની આર્ડુરા એંજિનિયરીંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે કોરોનીલ અમારી એક પ્રોડક્ટનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. અમે છેક 1993માં આ નામ રજિસ્ટર કરાવ્યું હતું અને 2027 સુધી આ અમારો ટ્રેડમાર્ક રહેશે એવું સર્ટિફિકેટ ટ્રેડમાર્ક રજિસ્ટ્રાર તરફથી અમને અપાયું છે. પતંજલિ આ નામ વાપરી શકે નહીં. એ અમારા ટ્રેડમાર્કનો ભંગ કરીને અપરાધ કરી રહી હતી.
આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સીવી કાર્તિકેયને કહ્યું હતું કે બચાવ પક્ષે એટલે કે પતંજલિ આયુર્વેદે હાથે કરીને આ મુશ્કેલી વહોરી લીધી હતી. પોતે જે નામનો ઉપયોગ કરવા માગતી હતી એ અન્ય કોઇ કંપનીના નામે રજિસ્ટર્ડ તો નથી ને એવી તપાસ કર્યા વિના પતંજલિએ આ નામનો દુરુપયોગ કર્યો હતો.
હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે હાલ આમ આદમીના મનમાં કોરોનાનો જે ડર પ્રવર્તી રહ્યો છે એનો ગેરલાભ લેવાના પ્રયાસ પતંજલિએ કર્યા હતા. ખુદ કેન્દ્ર સરકારે આ દવા કોરોનાની નથી એમ કહ્યું હતું . ઇમ્યુનિટી બૂ્સ્ટર ઔષધિને કોરોનાની દવા શી રીતે કહી શકાય. હાઇકોર્ટે પતંજલિને દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.