Western Times News

Gujarati News

મદરેસા કાયદો: સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો

ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો કાયદેસર-સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો છે

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ ૨૦૦૪ની બંધારણીય માન્યતાને જાળવી રાખતાં ૧૭ લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો છે.

ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે હાઈકોર્ટના ૨૨ માર્ચના ચુકાદાને અયોગ્ય ઠેરવતાં મદરેસાને કામગીરીને ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે શિક્ષણ બોર્ડ અધિનિયમ ૨૦૦૪ને ‘ગેરબંધારણીય’ અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન સમાન ગણાવી ઉત્તર પ્રદેશ સરકારને મદરેસાના તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળામાં પ્રવેશ આપવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું કે, આ કાયદાની જોગવાઈઓ મદરેસાઓમાં નિર્ધારિત શિક્ષણના ધોરણને પ્રમાણિત કરવાની છે. મદરેસા અધિનિયમ મદરેસાઓના રોજિંદા કામકાજમાં દખલ કરી શકે નહીં. તેનો ઉદ્દેશ ઉત્તર પ્રદેશ રાજ્યમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ યોગ્ય આજીવિકા કમાય તે સુનિશ્ચિત કરવાની રાજ્યની સકારાત્મક જવાબદારીને અનુરૂપ છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ રાજ્યના પ્રમાણિત શિક્ષણ માપદંડોની સાથે પોતાની કામગીરી ચાલુ રાખી શકશે.

અલાહાબાદ હાઈકોર્ટે ૨૨ માર્ચના રોજ મદરેસા કાયદા પર ચુકાદો આપ્યો હતો કે, આ અધિનિયમ બંધારણ અને બિનસાંપ્રદાયિકતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જેને પડકારતાં અંજુમ કાદરી, મેનેજર્સ એસોસિએશન અરબિયા, ઓલ ઈન્ડિયા ટીચર્સ એસોસિએશન મદારિસ અરબિયા, મેનેજર એસોસિએશન અરબી મદરેસા ન્યૂ માર્કેટ એન્ડ ટીચર્સ એસોસિએશન મદારિસ અરબિયા કાનપુર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે મદરેસા અધિનિયમની જોગવાઈઓની સમીક્ષા કરી જરૂરી સુધારા વધારા કરવા કહ્યું છે. પરંતુ તેને સંપૂર્ણપણે રદ કરવો અયોગ્ય ગણાવ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે આ મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું કે, ધર્મનિરપેક્ષતાનો અર્થ જીવો અને જીવવા દો છે. શું આરટીઈ વિશેષ રૂપે મદરેસા પર લાગુ થતો નથી. ભારત એક ધાર્મિક દેશ છે. જેથી શિક્ષણમાં ધાર્મિક શિક્ષણ સામેલ થઈ શકે છે. આ અધિનિયમને રદ કરી તમે ૭૦૦ વર્ષના ઈતિહાસને બરબાદ કરી શકો નહીં.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની ઈદગાહના ઈમામ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રશિદ ફિરંગીએ આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ચુકાદો મદરેસા સાથે સંકળાયેલા લોકો માટે ખુશીની લહેર સમાન છે. યુપી મદરેસા અધિનિયમનો મુસદ્દો ઉત્તર પ્રદેશ સરકારે જ બનાવ્યો હતો. અને સરકાર દ્વારા બનાવવામાં આવેલો અધિનિયમ કેવી રીતે ગેરબંધારણીય હોઈ શકે. અમે પહેલાં જ કહ્યું હતું કે, અમે મદરેસામાં ઈસ્લામી શિક્ષણ ઉપરાંત આધુનિક શિક્ષણનું પણ સિંચન કરીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.