બળદો બેફામ દોડતાં દક્ષિણ ભારતમાં જલિકટ્ટુ દરમિયાન સાતનાં મૃત્યુ
(એજન્સી)ત્રિચી, દક્ષિણ ભારતમાં પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને ૪૦૦થી વધુ ઘાયલ થયા હતા. જલિકટ્ટુ એ બળદ સાથે જોડાયેલી રમત છે અને દર વર્ષે રમાય છે. જોકે, ઘણાં વર્ષ પછી આ પરંપરાગત ઉત્સવમાં મૃત્યુ અને ઈજાની ઘટનાઓ બની છે.
અહેવાલ મુજબ, જલિકટ્ટુ દરમિયાન આ ઘટના ગઈકાલે ગુરુવારે ૧૬ જાન્યુઆરીતે બની હતી અને જે સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા તેમાં છ તો એ રમતને જોવા આવેલા પ્રેક્ષકો હતા. કેરળના શિવગંગા જિલ્લામાં સિરવયાલ ખાતે જલિકટ્ટુ દરમિયાન બળદ સાથે રમતો એક ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
અન્ય એક ઘટનામાં મદુરાઈ ખાતે જલિકટ્ટુ દરમિયાન એક પ્રેક્ષક માર્યો ગયો હતો. એ જ રીતે સાલેમ જિલ્લામાં પણ જલિકટ્ટુની રમત દરમિયાન બળદો બેફામ દોડતાં બીજા બે પ્રેક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. કૃષ્ણાગીરી જિલ્લાં બળદોની સ્પર્ધા દરમિયાન બે વ્યક્તિ માર્યા ગયા હતા.
મળતા અહેવાલો મુજબ પુડુકોટ્ટી, કરૂર તથા ત્રીચી જિલ્લાઓમાં જલિકટ્ટુ ઉત્સવ દરમિયાન ૧૫૬ જણને ઈજાઓ થઈ હતી. પુડુકોટ્ટીની ઈવેન્ટમાં ૬૦૭ બળદ સામેલ હતા અને તેમની સામે ૩૦૦ યુવાનો બળદોને નિયંત્રણ કરવાની રમતમાં સામેલ થયા હતા.