મગફળી પાકમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું કરો
મગફળીના ઊભા પાકમાં બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવાનો ઉપયોગ કરવાથી સફેદ ઘૈણનો ઉપદ્રવ ઘટશે
સફેદ ઘૈણના (મુંડા) અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરીએ મહત્વપૂર્ણ પગલાઓ સૂચવ્યા
રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગ પ્રત્યે જાગૃત કરવા ઉપરાંત તેના વ્યવસ્થાપન માટે સમયાંતરે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જેથી ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે. રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે.
ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા) કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, મગફળીમાં ઘૈણના ઢાલિયા પ્રકારના કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા કીટકોને ભેગા કરીને તેનો નાશ કરવો જોઈએ. જ્યારે, મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે છોડ ઉગવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા ૫ કિ.ગ્રા. મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવા પ્રતિ હેકટર પ્રમાણે જમીનમાં આપવાથી ઉપદ્રવ ઘટે છે.
મુંડાનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે, કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૪૦ થી ૫૦ મી.લી. દવા ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી તેનું અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે.
ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો, કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. પ્રતિ હેકટર ૪ લી. પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી યોગ્ય નિયંત્રણમેળવી શકાય છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે, આ જીવાતોના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૪ લી. દવાને ૫ લી. પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિ.લો જીણી રેતીમાં ભેળવી, ત્યારબાદ રેતી સૂકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી જોઈએ. જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ જોઈએ.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે તે ભલામણને આધારે જ દવાઓનો વપરાશ કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.