Western Times News

Gujarati News

ખેડૂતોને સરકારની ભેટ: ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

ગાંધીનગર, ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ૧૬૦ જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧-૧૧-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. ૦૮-૦૨-૨૦૨૫ના રોજ પૂર્ણ થશે.

ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી આૅક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે.

કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.