મહાદેવનું એકરૂપ અર્ધનારી નટેશ્વરનું: અડધું શરીર સ્ત્રીનું અને અડધું શરીર પુરુષનું
કેવું દાંપત્ય જીવન પ્રભુને ગમે ?-નરનારીના ગુણો મળતાં, બને જીવન દાંપત્ય -અર્ધનારી-નારેશ્વર રૂપે, બન્યું તે શિવ સ્વરૂપ
આપણી વૈદિક સંસ્કૃતિમાં દેવોના દેવ મહાદેવનું એકરૂપ અર્ધનારી નટેશ્વરનું છે. અડધું શરીર સ્ત્રીનું અને અડધું શરીર પુરુષનું સંમિલિત થયેલું રૂપ છે. આ રૂપ તે બતાવે છે કે પુરુષના ગુણો અને સ્ત્રીના ગુણોનું સંમિશ્રણ છે. પુરુષના ગુણો જેવા કે શૌર્ય – પરાક્રમ – વિવેક – કર્તવ્યનિષ્ઠા – આક્રમકતા – તેજસ્વીતા છે. સામે સ્ત્રીના ગુણો જેવા કે વાત્સલ્ય, સમર્પણ, કરૂણા, પ્રેમ, લજ્જા, સ્નેહ વિગેરે હોય છે.
આ પુરુષ ગુણો અને સ્ત્રી ગુણો મળીને દાંપત્ય જીવન મહેંકી ઊઠે અને સ્વર્ગીય સુખ માણી શકાય. આ ગુણો મેળવવાની દુકાનો નથી કે જે ખરીદી શકાય. તેના માટે સર્વગુણ સંપન્ન અને સર્વશક્તિમાન ભગવાન પાસે પતિ-પત્નીએ સાથે બેસીને પ્રાર્થના દ્વારા પ્રભુ પાસેથી આ ગુણો મેળવવા જોઈએ.
અને તેવા ગુણોવાળાં ચરિત્રો જેવાં કે સીતા, સાવિત્રી, દ્રૌપદી, કુંતા, મદાલસા, દમયંતિ, તારામતિ-સામે પુરુષગુણો માટે અર્જુન, અભિમન્યુ, હનુમાન, ભીષ્મ, નચિકેતા, હરિશચંદ્ર, લક્ષ્મણ જેવા ભવ્ય અને દિવ્ય – તેજસ્વી નિષ્ઠાવાળા ચરિત્રો ભાવપૂર્ણ હૃદયથી વાંચવા, વિચારવા અને મનન કરવાથી કીટ ભ્રમરે ન્યાયે આપણા જીવનમાં તે ગુણો સંક્રાંત થાય.
પત્નીએ પતિમાં પુરુષગુણો સ્થિર થાય અને વર્ધન થાય તે જોવું. પુરુષે સ્ત્રીમાં સ્ત્રીગુણો સ્થિર થાય અને વર્ધન થાય તેની કાળજી રાખવી. પુરુષ ક્ષૈણ ન થાય સ્ત્રી પૌવત ન બને, તો જ આકર્ષણ રહે ને જીવનકાવ્ય બને. એકબીજામાં આકર્ષણ ગુણોને ટકાવી જીવનસ્વાદ માણે, જીવન દૈવી બનાવે. સદ્ગુણો જીવનમાં સ્થિર થતાં જ દુર્ગુણો આપમેળે જ ચાલ્યા જશે.
એક પ્રસંગ કહું-એક દંપતી સ્કુટર ઉપર જતાં હતાં. જોગાનુજોગ એક પક્ષી ચરકી જતાં બન્નેનાં કપડાં બગડેલાં. સ્કુટર ઊભું રાખી વાટરબેગમાં રાખેલા પાણીથી ધોતાં હતાં – મને કહે કાકા શું થાય, પક્ષી ચરકી ગયું. મેં કહ્યુંં લગ્નમાં જતા હશો. કહે – હા.
મેં કહ્યુંં ધીમે ધીમે સાફ કરીને જાવ. ડાઘ કપડાને સારો ન લાગે. જીવનમાં પણ જાણે-અજાણે આવી રીતે ડાઘ પડી જતા હોય છે દુર્ગુણો – દુષણો – વ્યસનોના.
સામેથી તેમણે મને પૂછ્યું, કાકા તે દુષણોના ડાઘા કેમ કાઢવાના અને ક્યાં ધોઈને સાફ કરવાના ? પૃચ્છા થતાં મને આનંદ થયો.
મેં કહ્યું કપડાના ડાઘા તેમજ મૅલ કાઢવા જેમ ધોબીઘાટ હોય, સાબુ લગાડવાનો હોય, ગરમ પાણીમાં નાખવાનું હોય-તે બધું થાય પછી ડાઘ, મૅલ જાય ને કપડાં સ્વચ્છ થાય. સારાં લાગે. પહેરવાની મજા આવે. તેવી રીતે જ જીવનમાંથી દુર્ગુણો રૂપી ડાઘા કાઢવા માટે પણ સ્વાધ્યાય કેન્દ્રો, સત્સંગ કેન્દ્રો, જ્ઞાનભાવ કેન્દ્રો તથા પ્રાર્થનાકેન્દ્રો, ધ્યાન-કેન્દ્રો હોય છે અને ત્યાં જીવન શુભ, સ્વચ્છ, દૈવી, તેજસ્વી, ભાવવાન બને ત્યાં જવું જ જોઈએ.
તેનાથી જ પત્નીને પતિમાં નારાયણનાં દર્શન થાય. પતિને પત્નીમાં લક્ષ્મીનાં દર્શન થાય. આમ દાંપત્ય જીવનમાં એકબીજાની ગરીમા જળવાઈ રહે ને ઘરમાં જ સ્વર્ગ ઊભું થાય. પુરુષ-મુખ પર પ્રસન્નતા રહે અને સ્ત્રી-મુખ પર હાસ્યનું સ્મિત રહે. એકબીજાને ગૌરવશાળી – વૈભવશાળી ભાષામાં બોલે, બોલાવે. આજની જેમ ખોખલી ભાષામાં નહિ, જેવી કે છગન બહાર ગયો છે.
(પોતાના પતિને સંબોધી પત્ની બોલતી હોય) આવી છીછરી ભાષા પશ્ચિમનું આંધળું અનુકરણ ન કરતાં ભાવવાળી ભાષામાં તેઓ બહાર ગયા છે તેમ માનવાચક, ભાવવાચક ભાષા પત્ની વાપરે તો ઘરમાં પતિનું ગૌરવ અને ગરીમા જળવાય. પત્ની સહધર્મચારીણી છે, ધર્મપત્ની છે (કામપત્ની કહ્યું નથી). પુરુષને ધર્મમાં પ્રેરે, ધર્મકાર્યમાં પીઠબળ આપે તે ધર્મપત્ની.
દાંપત્ય જીવન એટલે યૌવનને આરે ઊભેલું જીવન. આ ઉંમરે વિષયોથી વધેરાઈ ન જવાય-ભોગો આપણને ન ભોગવી જાય તે માટે સંયમ મહત્ત્વનો ગુણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોમાં જતાં ઇન્દ્રિયો ધર્મથી વિરુદ્ધ ખેંચાઈ ન જાય તે જોવું. કાચબાની જેમ વિવેકથી સમેટી લેવી. આત્મસ્થ કરવી અને યુવાની દીવાની ન બનાવતાં, પ્રભુગામી, ગુણગામી, આનંદગામી, દૈવી બનાવી દાંપત્યને શણગારવું. એવું દાંપત્ય જીવન પ્રભુને જરૂર ગમશે. આના સારરૂપે ભાવગીત ગાશું…