Western Times News

Gujarati News

પ્રયાગરાજ મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત

મહાકુંભમાં થયેલી નાસભાગથી ગુજરાતી શ્રધ્ધાળુઓના પરિવારજનો ચિંતાતુર-ગીતામંદિરથી ઉપડેલી વોલ્વો બસના તમામ મુસાફર સંગમઘાટ પર હોવાની માહિતી મળી છે.

(એજન્સી) અમદાવાદ, મોડી રાતે પ્રયાગરાજના સંગમ કિનારે ભારે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ૧૪ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને પ૦થી વધુ ભક્તો ઘાયલ થયા છે. મહાકુંભમાં સર્જાયેલી અફરાતફરીના મામલે અમદાવાદીઓના જીવ અધ્ધરતાલ થઈ ગયા છે. હજારો અમદાવાદીઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચ્યા છે ત્યારે મોડી રાતે સર્જાયેલી દુર્ઘટના બાદ પરિવારજનો ચિંતામાં મુકાયાં છે.

પ્રયાગરાજમાં બનેલી ઘટનાના સમાચાર વાયુવેગે દેશમાં ફેલાંતાની સાથે જ અમદાવાદીઓએ મહાકુંભમાં ગયેલાં પોતાના સ્નેહીજનોને ફોન કરીને તેઓ સુરક્ષિત હોવાના સમાચાર પૂછ્યા હતા. સ્નેહીજનોનો ટેલીફોનીક સંપર્ક થતાં કેટલાંક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જયારે કેટલાક લોકો સ્નેહીજનોનો સંપર્ક નહી થતાં ચિંતામાં મુકાયા છે.

મોડી સાંજે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાતા એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજ્યું હોવાની જાણવા મળેલ છે. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત યુપી સરકારના સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓ સહીસલામત પરત ફરે તે માટે ગુજરાત સરકાર દ્વારા આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

મહાકુંભમાં દેશભરમાંથી સ્નાન કરવા માટે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે મૌની અમાસ હોવાથી પાંચ કરોડથી વધુ ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા છે, જેમાં મોડી રાતે નાસભાગ મચી જતાં કરુણ ઘટના બની છે. પ્રયાગરાજના સંગમ કિનારે ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં ૧૪ શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જયારે પ૦થી વધુ ભક્તો ઘાયલ થયા છે.

નાસભાગ પછી યુપી સરકાર એકશન મોડમાં આવી ગઈ હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ ઘટના બાદ ૧૩ અખાડાઓએ આજેમૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું ત્યાર બાદ અખાડાઓએ બેઠક યોજી હતી જેમાં નકકી થયું હતું કે તેઓ ૧૦ વાગ્યા પછી અમૃત સ્નાન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફોન પર યુપીના મુખ્યપ્રધાન યોગી પાસેથી ઘટના વિશે માહિતી મેળવી હતી.

મોડી રાતે નાસભાગની ઘટના બાદ દેશભરના લોકોની નજર મહાકુંભના મેળા પર છે. મહાકુંભમાં સ્નાન કરવા માટે કીડીયારું ઉભરાયું છે, જેને કંટ્રોલ કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મહાકુંભમાં નાસભાગ અને ૧૪ શ્રદ્ધાળુઓનાં મોત થતાં અમદાવાદીઓના જીવ પણ અધ્ધરતાલ થઈ ગયા છે. અમદાવાદથી હજારો શ્રદ્ધાળુઓ પોતપોતાની રીતે પ્રયાગરાજ મહાકુંભનો લાભ લેવા માટે પહોંચી ગયા હતા. પ્રયાગરાજમાં દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી પહોચ્યા છે ત્યારે અમદાવાદથી પણ સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે.

મોડી રાતે એક અફવાના કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા હતા. અકસ્માત બાદ ૭૦થી વધુ એમ્બ્યુલન્સ સંગમકાંઠે પહોચી હતી અને ઘાયલ થયેલા અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારાનો ચાર્જ સંભાળ્યો હતો. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકો માટે પ્રવેશ બંધ હતો. પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાના અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એક તરફ પ્રયાગરાજમાં દોડધામ મચી ગઈ છે. બીજી તરફ અમદાવાદીઓ ટેન્શનમાં આવી ગયા છે.

જયારથી પ્રયાગરાજમાં મચેલી ભાગદોડના સમાચાર મળ્યા છે ત્યારથી અમદાવાદીઓએ તેમના સ્નેહીજનોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. કરોડો શ્રદ્ધાળુઓ વચ્ચે પોતાના સ્નેહીજનો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના તેમનાં પરિવારજનોએ શરૂ કરી દીધી હતી. અમદાવાદીઓ તેમજ ગુજરાતીઓને પ્રયાગરાજ જતા અટકાવી દીધા હતા. પ્રયાગરાજમાં એન્ટ્રી થવાના રસ્તા પર બેરિકેડ મુકી દેવાયા હતા, જેના કારણે અમદાવાદીઓ અટવાયા હતા,

જયારે રેલવે સ્ટેશન ઉપર પણ મુસાફરો અટવાયા હતા. મહાકુંભમાં જનારા અમદાવાદીઓ હેમખેમ હોવાની પુષ્ટિ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે ગુજરાત સરકાર સતત યુપી સરકારના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ટ્રેન, બસ અને ફલાઈટમાં નહીં જનારા જે લોકો પોતાના વાહનો લઈને પ્રયાગરાજ પહોચ્યા છે તેમને પણ અટકાવી દેવામાં આવ્યા હતા.

રાજય સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે વોલ્વો બસ શરૂ કરી હતી. અમદાવદથી બે વોલ્વો બસ પ્રયાગરાજ પહોંચી હતી. મોડી રાતે થયેલી ઘટના બાદ વોલ્વો બસમાં ગયેલા તમામ પેસેન્જર સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અમદાવાદ ગીતામંદિરના ડેપો મેનેજર બંને વોલ્વો બસ સાથે પ્રયાગરાજમાં હાજર છે, જેમને સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. ગીતામંદિરથી ઉપડેલી વોલ્વો બસના તમામ મુસાફર સંગમઘાટ પર હોવાની માહિતી સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.