રેકોર્ડ ૬૬.૩૦ કરોડ શ્રદ્ધાળુઓના સ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહુતિ

મહાકુંભ નગર, મહાશિવરાત્રીના છેલ્લાં પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં બુધવારે શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ હતી.
૪૫ દિવસના વિશ્વના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં ૬૬.૩૦ કરોડથી વધુ ભક્તોએ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતાં તે વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને અવિસ્મણીય ઘટના બની હતી.
આ સંખ્યા ભારત અને ચીન સિવાયના વિશ્વના તમામ દેશોની કુલ વસ્તી કરતા વધુ છે.શિવરાત્રિના શુભ દિવસે સંગમના પાણીમાં ડૂબકી મારવા લાખો ભક્તો સાથે એકઠા થયાં હતાં અને એક દિવસમાં ૧.૫૩ કરોડ કરતા વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કર્યું હતું. ‘હર હર મહાદેવ’ના નારાની ગુંજ સાથે હેલિકોપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.
વિશાળ ભીડ માત્ર સંગમ પર જ નહીં, પરંતુ ઉત્તર ભારતના સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર જોવા મળી હતી. ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર ૧૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૬.૩૦ કરોડ લોકોએ પ્રયાગરાજની મુલાકાત લીધી છે, જે ચીન અને ભારત સિવાયના તમામ દેશોની વસ્તી કરતા વધારે છે.
મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટોચના મંત્રીઓ અને ફિલ્મ સ્ટાર્સ, કોર્પાેરેટ વડાઓ પણ પવિત્ર ડૂબકી મારી હતી. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સહિતના વિવિધ મહેમાનોએ મેળાની ખાસ મુલાકાત લીધી હતી અને પવિત્ર સ્નાન પણ કર્યું હતું.
બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓએ પરિવારના સભ્યો સાથે મેળાની મુલાકાત લીધી હતી. એપલના સ્થાપક દિવંગત સ્ટીવ જોબ્સની પત્ની લૌરા પોવેલ, બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન પણ ડૂબકી મારવા આવ્યાં હતાં.
આ ધાર્મિક મેળામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ અને છૈં-સક્ષમ કેમેરા સહિત અભૂતપૂર્વ સુરક્ષા પગલાં જોવા મળ્યા હતાં. તે ૪૦ હેક્ટરમાં ફેલાયેલા મહાકુંભનગર છેલ્લા છ સપ્તાહમાં ચોવીસે કલાક ધમધમતું જોવા મળ્યું હતું. છેલ્લા દિવસે દૂર-દૂરના ખૂણેથી આવેલા પ્રવાસીઓ અને યાત્રાળુઓ મહાકુંભની સમાપ્તિ પહેલા ડૂબકી મારતા જોવા મળ્યાં હતાં.
હિંદુઓ માને છે કે ૧૨ વર્ષે ગ્રહોના દુર્લભ સંયોગ સાથે યોજાતા મહાકુંભ સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓ દર્શાવતા મહાકુંભમાં વિવિધ અખાડા, નાગા સાધુઓ, આધુનિક ટેકસેવી બાબાઓ લઇને વિશ્વભરમાંથી ભક્તોએ ગંગા નદીના કિનારે પડાવ નાંખ્યો હતો.
અખાડાના સાધુઓએ કુલ છમાંથી ત્રણ અમૃતસ્નાનમાં ભાગ લીધો હતો, જેમાં મકરસંક્રાંતિ (૧૪ જાન્યુઆરી) મૌની અમાવસ્યા (૨૯ જાન્યુઆરી) અને વસંત પંચમી (૩ ફેબ્રુઆરી)નો સમાવેશ થાય છે. પૌષ પૂર્ણિમા (૧૩ જાન્યુઆરી) અને માઘી પૂર્ણિમા (૧૧-૧૨ ફેબ્રુઆરી)ના અમૃત સ્નાનમાં પણ કરોડો લોકોએ શ્રદ્ધા ડૂબકી લગાવી હતી.
બીજા અમૃત સ્નાન દરમિયાન નાસભાગની ઘટનામાં ૩૦ લોકોના મોત, ગંગાના પાણીની ગુણવત્તા અંગેના વિવાદ અને આગની ઘટનાઓ બની હોવા છતાં શ્રદ્ધાના બળે ભક્તો અવિચલિત રહ્યાં હતાં અને સંખ્યામાં સતત વધારો થતો રહ્યો હતો.‘દિવ્ય કુંભ, ભવ્ય કુંભ, સુરક્ષિત કુંભ’ના સૂત્ર સાથે આ મહાપર્વ સુરક્ષા અને સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.SS1MS