છેલ્લા ૩૦ વર્ષથી માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતા મૌનીબાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા
ગીરના જંગલમાં રહેતા અને મૌની બાપુ તરીકે ઓળખાતા બજરંગી બાપુ ૧૦૩ વર્ષની વયે દેવલોક પામ્યા
(એજન્સી)જૂનાગઢ, શાંતિ આશ્રમના મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે તેઓ ‘મૌની બાપુ’ તરીકે જાણીતા હતા. ગયા અઠવાડિયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તે સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા. જો કે, આજે તેમનું નિધન થતાં ભાવિકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
૧૦૩ વર્ષની જૈફ વયે પૂજ્ય ‘મૌની બાપુ’નો દેહવિલય થતાં સાધુ સંતો અને સેવકગણોમાં શોક છવાયો છે. માહિતી અનુસાર, ‘મૌની બાપુ’ ગિરનારમાં ૪૦ વર્ષ રહ્યા હતા. તેના બાદ તેઓ જૂનાગઢ ભેંસાણ રોડ પર દેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા.
છેલ્લા ૩૦ વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતા હતા. દિવસે પણ જ્યાં અંધારું હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા.
છેલ્લા ૩૦ વર્ષથી જ્યારથી તેઓ આશ્રમમાં સ્થાયી થયા ત્યારથી આ આશ્રમમાં અખંડ ધૂણો શરૂ કરવામાં આવ્યો હતો. બાપુ ક્યારેય આશ્રમ બહાર નીકળ્યા નહોતા. બાપુ જે જગ્યાએ સાધના કરતા હતા તે જગ્યાએ સાંજના સમયે ચારથી પાંચમાં જ લોકોને દર્શન આપતા હતા. ત્યારબાદ કોઈપણ લોકોને દર્શન માટે જવાતું નહોતું.
જે જગ્યાએ બાપુ સાધના કરતા હતા, તે જગ્યાએ કોઈ પણ પ્રકારની વીજળીની સુવિધા કે પછી જમવાના કોઈ પણ પ્રકારના વ્યંજન ત્યાં કોઠડીમાં જોવા મળે નહીં.
આ આશ્રમના પટાંગણમાં શિવ ભગવાનની પણ મૂર્તિ આવેલી છે. જ્યારે તે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો ત્યારે નાગ અને નાગિનની જોડી ત્રણ દિવસ સુધી સતત રહી હતી અને તમામ લોકોએ તેના દર્શન કર્યા હતા.
બાપુના આશ્રમે જૂનાગઢથી ૧૨ કિલોમીટર અને વડાલથી સવા કિલોમીટર દૂર સારણકુવા ચોકડી નજીક આવેલો છે. પહેલાં જીણા બાવાની મઢીએ ‘મૌની બાપુ’એ ૪૦ વર્ષ સુધી તપ કર્યું હતું અને ત્યાર પછી તેઓ આ આશ્રમે આવ્યા હતા. અહીં જ્યારે ‘મૌની બાપુ’ સ્થાયી થયા. ત્યારે તેમણે શિવલિંગ ફૂલનું ઝાડ વાવ્યું હતું. વર્ષો સુધી કોઈપણ ફૂલ તેમાં આવ્યા નહોતા, પરંતુ ૨૦૨૧માં જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે આ ઝાડમાં ફૂલ આવ્યા હતા. જે શિવલિંગ પ્રકારે આવે છે.