ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં 40 બળવાખોરોને તગેડ્યા
આ તમામ નેતાઓ ૩૭ વિધાનસભા મતવિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા
મુંબઈ, મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા જ બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિસ્તભંગના આરોપો હેઠળ ૪૦ નેતાઓની હકાલપટ્ટી કરી દીધી છે.
આ તમામ નેતાઓ ૩૭ વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી. ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એટી પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા.
હીના ગાવિત ૨૦૧૪ અને ૨૦૧૯માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતી હતી. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતી અને અપક્ષ ઉમેદવાર તરીકે દાવો ઠોક્યો હતો.
જ્યારે એટી પાટીલ પણ જલગાંવ વિધાનસભા બેઠક પરથી પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાનો ઉમેદવાર બનાવ્યો. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં ૩૦ સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.