Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં વરસાદ-પૂરથી ૨૮ જિલ્લામાં તબાહી મચી, મૃત્યુઆંક ૧૦૫ થયો

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના કુલ ૨૮ જિલ્લા ભારે વરસાદના કારણે પૂરથી પ્રભાવિત થયા હતા.

તેમાં પુણે, સતારા, નાસિક, સોલાપુર, જલગામ, અહમદનગર, બીડ, લાતૂર, વાશિમ, યવતમાલ, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા, ભંડારા, નાગપુર, નંદુરબાર, મુંબઈ, ઉપનગર, પાલઘર, ઠાણે, નાંદેડ, અમરાવતી, વર્ધા, રત્નાગિરી, સિંધુદુર્ગ, ગઢચિરોલી, સાંગલી, ચંદ્રપુર વગેરે જિલ્લા સામેલ છે.

આ જિલ્લાઓમાં ૧ જૂન, ૨૦૨૨થી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આ હિસ્સામાં લગભગ ૨૪.૬ મિમી સરેરાશ વરસાદ નોંધાયો છે. ૭ લોકો ગુમ છે અને ૬૯ લોકો વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ઘટનાઓમાં ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના કુલ ૨૭૫ ગામ પૂરથી પ્રભાવિત છે.

રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ૪૪ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. તો ૧૩૬૮ મકાનોને આંશિક નુકસાન થયું છે. રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૧૧,૮૩૬ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ૧૮૯ પશુઓના મોત થયા છે.

મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ૭૩ પૂર રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે કેન્દ્ર દ્વારા એનડીઆરએફની ૧૨ ટીમો મોકલવામાં આવી છે. તેમાંથી એનડીઆરએફની ૨-૨ ટીમો થાણે, રત્નાગીરી, કોલ્હાપુર, મુંબઈમાં બચાવ કામગીરીમાં સામેલ છે. એનડીઆરએફની ૧-૧ ટીમો પાલઘર, સતારા, રાયગઢ અને સિંધુદુર્ગમાં મેદાનમાં છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ચાર ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તેમાંથી એસડીઆરએફની ૨ ટીમ વર્ધામાં, ૧-૧ ટીમ નાંદેડ અને ગઢચિરોલીમાં બચાવ કામગીરીમાં સામેલ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ૧૦૫ લોકોના મોતનું કારણ વરસાદ, વીજળી, ભૂસ્ખલન અને વૃક્ષો પડવાનું આપવામાં આવ્યું છે.

દક્ષિણ મુંબઈની કોલાબા વેધશાળામાં ૧૨.૮ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩.૩ મીમી વરસાદ નોંધાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.