મહારાષ્ટ્રનાં ૩ ગામમાં એકાએક લોકો ટાલિયા બનવા લાગતા હાહાકાર
મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ આ રોગનો શિકાર
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે
બુલઢાણા,
મનુષ્યની સુંદરતામાં વાળનું આગવું મહત્વ છે. વાળની જાળવણી માટે લોકો અનેક જાતના ઉપચારો અને નુસખાં અજમાવતા રહે છે. જો કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી એક વિચિત્ર બીમારી ફેલાઈ છે. જેને કારણે સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં છેલ્લા ૩ દિવસમાં ૬૦થી વધુ લોકોના વાળ અચાનક જ ખરવાનું શરૂ થઈ ગયું છે. જિલ્લાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવાડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે તેઓને ટાલ પડી રહી છે, મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે.
આ ગામડાઓમાં ફેલાઈ રહેલો આ કયા પ્રકારનો રોગ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ રોગ આનુવંશિક છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે કર્યાે છે. તેમણે પાણીના સેમ્પલ પણ લઈ લીધાં છે. આ રોગના પહેલા દિવસે જ વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા માંડે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે. સ્ત્રીઓ આ રોગથી સૌથી વધુ પીડિત છે. બીકના માર્યા મોટાભાગના દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કર્યું છે.
એકાએક ફેલાયેલા આ રોગથી આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપાલી માલવડકરે આ અંગેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય વહીવટીતંત્રને આપી છે. આ રોગનો વહેલી તકે ઈલાજ શોધવા ગ્રામજનોની માંગ છે. ડો.દિપાલી માલવડકર કહે છે કે કદાચ, શેમ્પૂના ઉપયોગને કારણે આવું બન્યું હશે. જો કે, ઘણા પીડિતો કહે છે કે તેઓએ ક્યારેય શેમ્પૂ તો શું સાબુનો પણ ઉપયોગ નથી કર્યાે. તેમ છતાં તેઓના વાળ ખરી રહ્યા છે. ખરતાં વાળની આ બીમારીની સૌથી વધુ ચિંતા ગામની મહિલાઓને થઈ રહી છે.ss1