વાપી વી આઇ એ ખાતે “મહારક્તદાન શિબિર “નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ) વાપી, રક્તદાનને મહાદાન કહેવાય છે કારણ કે ઘણીવાર જીવન બચાવવા માટે રક્ત ખુબજ ઉપયોગી થઇ પડે છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન વાપીની બ્લડ બેંકોને લોહીની ભારે અછતનો સામનો કરવો પડતો હોય છે, આ પરિસ્થિતિને ધ્યાને રાખીને,
આજ રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (વી.આઈ.એ.) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે, વાપીની બે મુખ્ય બ્લડ બેંક શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક અને રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંકને સાથે રાખીને આજ રોજ સવારે ૯ થી સાંજે ૪ સુધી, વી.આઈ.એ. ઓડિટોરિમ ખાતે, “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ૫૦૦ યુનિટ બ્લડ કલેક્ટ કરવાનું બીડું ઝડપ્યું હતું, જેમાં વરસાદના વિઘ્ન છતાં રક્તદાતાઓએ ઉત્સાહ દાખવ્યો હતો જેના ફળ સ્વરૂપ રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંક દ્વારા ૨૩૮ યુનિટ અને શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક દ્વારા ૩૦૩ યુનિટ મળી કુલ ૫૪૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ “મહારક્તદાન શિબિર” નું ઉદ્દઘાટન ગુજરાત રાજ્ય ના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનો સાથ સહકાર આપી અને તેને સફળ બનાવવા માટે વી.આઈ.એ. ના
પ્રમુખ શ્રી સતિષ પટેલે વી.આઈ.એ.ની બ્લડ ડોનેશન કમિટીના તમામ સભ્યો, વી.આઈ.એ. ના સભ્યો, ઉદ્યોગકારો, વેપારીઓ, કામદારો તથા જાહેર જનતા તેમજ રક્તદાતાઓને આપવામાં આવેલ કીટના દાતાઓ – સાવલા લેમિનેટ્સ, એક્રા પેક (ઈ) પ્રા. લિ., વેલસ્પન લિ., જ્યુપિટર રેનકોટ (પદમ પ્લાસ્ટિક),
યુનિવર્સલ હેલ્થકેર (પ્રશાંત ડાય કેમ) અને વીબોટ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ શિબિરમાં વી.આઈ.એ.ના ઉપપ્રમુખ શ્રી મગન સાવલિયા, વી.આઈ.એ.ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર્સ એવા શ્રી એ.કે.શાહ, શ્રી મિલનભાઈ દેસાઈ, વી.આઈ.એ.ની બ્લડ ડોનેશન કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ, સભ્યો તથા મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.