Western Times News

Gujarati News

વલસાડના વાંકલ પાસે શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉજવાશે

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ પાસે, બારસોલ રોડ પર, દુલસાડ ખાતે ૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૧૫ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ દર્શન- અભિષેક, શિવકથા, સહસ્ત્રચંડી મહાયજ્ઞ, ૧૦૮ કુંવારિકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનુ ભવ્ય અને દિવ્ય આયોજન ૨જી માર્ચ થી ૮મી માર્ચ દરમિયાન લિમ્કા બુક ઓફ રેકાડ્‌ર્સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં કરવામાં આવશે.

છેલ્લા ૩૮ વર્ષથી શિવ કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા વિસ્તારોમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ પાસે દુલસાડ ખાતે ૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે ૧૫ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, શિવકથા સહિત વિવિધ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમો ઉજવવાનું નક્કી કરાયું છે.

વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી મોક્ષદાયી શિવ મહાપુરાણ કથા, ભગવતી જગદંબાનુ શ્રેષ્ઠ સત્કર્મ “સહસ્ત્રચંડી મહાયજ્ઞ”, દિકરી દેવો ભવઃ ૧૦૮ કુંવારિકા પૂજન, શિવ મહિમ્નઃસ્તોત્રપાઠ, મહા આરતી, રક્તદાન કેમ્પ, ભંડારા સહિત વિવિધ ધાર્મિક આયોજન થતા દુલસાડ – વાંકલ સહિત આસપાસના વિસ્તારોમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.

આ અવસરે કથાકાર બટુકભાઈ વ્યાસે જણાવ્યું કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૧૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે ૧૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે, આ ભગિરથ કાર્યમાં સર્વે શ્રદ્ધાળુઓને ભાગ લેવા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શ્રીપૂણ્યકોષમાં વૃદ્ધી કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.