આહાર અને નિંદ્રા તો પ્રત્યેક જીવ લે છે, સદ્દગુણો સાથે જીવાતું જીવન જ સાર્થક જીવન છે : આચાર્ય દેવવ્રતજી

મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્મદિવસની શુભકામના પાઠવી
જીવનમાં પુરુષાર્થ નું પરિણામ અવશ્ય મળે છે – આચાર્યશ્રી મહાશ્રમણજી
Ahmedabad, મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીએ બનાસની ધરતી પર કર્ણાવતી હાઇસ્કૂલ પાલનપુર ખાતે પોતાનો ૬૪ મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહાતપસ્વી મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામના પાઠવીને ગુજરાત રાજ્યની સુખાકારી માટેના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘના મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીનું 23 વર્ષ પછી આજે બનાસની ભૂમિ પર આગમન થયું છે.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માનવ જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કરુણા, દયા, પરોપકાર આદિ ગુણો સાથે જે જીવન જીવે છે તે જીવન જ સાર્થક જીવન કહેવાય. આહાર અને નિંદ્રા તમામ જીવ લે છે. આમાં ધર્મ માનવને અલગ પાડે છે. ધર્મ એટલે પોતાના કર્તવ્યનું પાલન કરવું. પ્રાણી પ્રત્યે દયાનો ભાવ, સહિષ્ણુતા, કરુણાનો ભાવ રાખવો જોઈએ. સંન્યાસ ધર્મનું પાલન કરતી વખતે પ્રાણીમાત્રની ભલાઈ સાથે જીવન સમર્પિત કરવું જોઈએ. પોતાનામાં પોતાનો ભાવ તો જોવા મળે છે પરંતુ મહાન લોકો બીજાનામાં પણ પોતાના ભાવ સાથે આગળ વધે છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાની ઉન્નતિની સાથે સાથે દરેકની ઉન્નતિમાં ખાસ રસ હોવો જોઈએ. આ વિચાર ઉમદા મનુષ્યના છે. આ જ વિચાર મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ છે. આચાર્યજીના જીવન વિશે સમાચારના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મને જાણકારી મળી છે ઉપરાંત અનુભવ દ્વારા પણ એ નિષ્કર્ષ નીકળ્યું છે કે પશુ પંખી પર દયા સાથે જીવવું. દરેકના આત્મામાં પોતાની આત્માના દર્શન કરવા એ ઈશ્વરીય કામ છે.
આ પ્રસંગે મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે, માનવજીવન દુર્લભ છે અને મહત્વપૂર્ણ છે. જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો એજ શ્રેષ્ઠ છે. દેવોને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનવ બની આ ધરતી પર જન્મ લેવો પડે છે. આ દુનિયામાં અનેક જીવો હજારોની સંખ્યામાં જન્મ લેતા હોય છે, પણ સાર્થક જીવન જીવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જીવન સાર્થક બને છે. જીવનમાં ઈચ્છિત ફળ મેળવવા માટે બે અવધારણા છે. ભાગ્યવાદ અને પુરુષાર્થ.
જીવનમાં પુરુષાર્થ કરશો ત્યારે તેનું ફળ અવશ્ય મળે છે. જેથી આત્માને મોક્ષ મળે ત્યાં સુધી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. સાધુનો ધર્મ છે અહિંસા, સાધુનું નિવેદન છે ક્ષમતા. માનવ જીવનમાં મૈત્રી અને અહિંસાનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાંચમી વખત ઉપસ્થિત રહ્યા છે. આચાર્ય દેવવ્રતજીની જ્ઞાનની વાતો સાંભળી હું કહેવા માગું છું કે “જો તમને તક મળે તો આપ સન્યાસ લેવા વિશે અવશ્ય વિચારજો”.
પૂજ્ય મહાશ્રમણજીના જન્મ નિમિત્તે પાલનપુર પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી તેમજ પ્રાર્થના કરી હતી કે પ્રજાના ભલા માટે કામ કરતા મહાશ્રમણજીનું જીવન શતાયુ થાય. તેઓ આ જ પ્રકારે માનવ જીવન શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરતા રહે તેવી ભગવાન તેમને શક્તિ આપે. તેઓના આશીર્વાદ આપણા સૌ પર સતત રહે તેવી તેમને કામના કરી હતી.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, જિલ્લા કલેકટર શ્રી મીહિર પટેલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી એમ. જે. દવે,જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.