Western Times News

Gujarati News

ખાંટા પ્રા. શાળામાં ભણતર માટે પાણીમાંથી પસાર થતા બાળકો

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગ્રામ પંચાયતમા આવેલ આચડીયાના મુવાડાની પ્રાથમિક શાળા (ખાટા પંચાયત)માં ૧૩૨ જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે જવા માટે બે થી ત્રણ કિલોમીટર સુધી કાદવ – કીચડ તેમજ વરસાદી વહેતા પાણીમાંથી જીવના જોખમે શાળાએ જવાનો વારો આવ્યો છે.

શાળાએ જવાનો કાચો માર્ગ ગામથી બે કિલોમીટર જેટલુ અંતર થાય છે. જ્યારે બીજો માર્ગ કે જે ગામથી ત્રણ કિલોમીટર કરતા પણ વધારે છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ કાચા માર્ગે જ શાળાએ જાય છે

આ માર્ગમાં કાદવ- કીચડ તેમજ વરસાદી પાણી વહેતુ હોવાથી જીવના જોખમે પસાર થઈને બાળકો શાળા એ અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે પ્રાથમિક શાળાએ જવાના માર્ગ બાબતે પણ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવતા ગ્રામજનોનો તંત્ર પર ભારે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક શાળાએ જવાનો આ રોડ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

એક તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા ‘સૌ ભણે સૌ આગળ વધે’ને સૂત્ર આપવામાં આવ્યું છે. અને વધુને વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય એ માટે વ્હાલીને પણ જાણકારી આપવામાં આવે છે, પણ અભ્યાસ માટે જવા ગ્રામ્ય વિસ્તારોમાં જે પાયાની સુવિધા મળવી જોઈએ તે હજુ સુધી પહોંચી નથી અને બાળકો દરરોજ ચોમાસા સમયે વરસાદી પાણી અને કાદવ-કીચડમાં થઈને જવા માટે મજબૂર બન્યા છે

તો બીજી તરફ ચોમાસામાં કાદવ કીચડમાંથી પસાર થઇને શાળામાં જવું પડતું હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ જવાનું ટાળતાં હોય છે જેને કારણે બાળકોનો અભ્યાસ પણ બગડે છે. શાળા સુધીનો પાકો રસ્તો બનાવવા છેલ્લા ઘણાં વર્ષોથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.