Western Times News

Gujarati News

જિલ્લા માહિતી કચેરી નડિયાદ ખાતે પરંપરાગત કાર્યક્રમના કલાકારોનો વર્કશોપ યોજાયો

નડિયાદ, ગુજરાત સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ, વિકાસ કાર્યક્રમોની જાણકારી તથા રાજયમાં આગામી સમયમાં યોજાનાર ૧૫મી ઓગસ્ટની ઉજવણી, પ્રાકૃતિક ખેતી, હાલમાં જિલ્લામાં ચાલી રહેલા કુપોષણ મુક્ત ખેડા અભિયાન અને જિલ્લામાં ચાલી રહેલી આરોગ્ય ઝુંબેશ જેવી માહિતી આવરી લેતી પ્રગતિશીલ કલ્યાણકારી યોજનાઓનો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી બહોળો પ્રચાર-પ્રસાર થાય

તે અર્થે પરંપરાગત માધ્યમો અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા અંગેનો વર્કશોપ જિલ્લા માહિતી કચેરી, નડિયાદ ખાતે યોજાયો. આ વર્કશોપ અંતર્ગત આરોગ્ય, આઈસીડીએસ અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ અધિકારીશ્રીઓ દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારોને પ્રાકૃતિક ખેતી, કુપોષણ મુક્ત ખેડા અને આરોગ્ય લક્ષી સુવિધાઓનો પ્રચાર પ્રસાર કરવા અંગે કલાકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં, આત્મા પ્રોજેક્ટ ખેડાના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે રાસાયણિક ખેતીની તુલનાએ પ્રાકૃતિક ખેતીના આરોગ્ય તથા જમીન માટેના લાભ વિશે સરળ શબ્દોમાં જાણકારી આપી જિલ્લાના વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ દિશામાં જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના ઈનચાર્જ ડીઆઈસીઓ જી.બી.મેધાએ આરોગ્ય વિષયક સુવિધાઓ, યોજનાઓ અને રોગ અટકાવના પગલાઓનો પ્રચાર પ્રસાર કરી લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી. વધુમાં, આઈસીડીએસ વિભાગના સીડીપીઓ ભૂમિકાબેન મોદીએ કુપોષણ મુક્ત ખેડા અભિયાન અંતર્ગત કિશોરીઓના પોષણ માટે આવશ્યક પુર્ણા શક્તિ યોજના, માતૃશક્તિ, ધાત્રી માતા યોજનાઓ વિશે સરળ સમજૂતિ આપી હતી અને બાળ-લગ્ન અટકાવવાના કાર્યમાં પરંપરાગત માધ્યમના કલાકારોને સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી હેતલ દવે, નાયબ માહિતી નિયામકશ્રી નિત્યા ત્રિવેદી, ડીએઆઈ શ્રી એમ.એન.પટેલ, માહિતી વિભાગના કર્મચારીઓ સહિત જિલ્લાના પરંપરાગત કાર્યક્રમના કલાકારો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.