ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને નવપલ્લવિત બનાવવા અપીલ કરતા રાજ્યપાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Anand1-1024x706.jpg)
આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે મૈસી કિસાન સંમેલન યોજાયું-ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે
દેશી ગાય પાળવાની પરંપરાને અપનાવીએ-ઝેરમુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત
આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલ મૈસી કિસાન સંમેલનને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, ધરતી માં ને બંજર બનતી અટકાવવી હશે તો ધરતી પુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે. પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, અળસિયાની ખેતી છે. જમીનમાં તે જેટલા વધશે તેટલો ધરતીનો ઑર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે.
રાજ્યપાલશ્રીએ ખેતી માટે દેશી ગાયનું ગોબર, ગૌ-મુત્ર વરદાન રૂપ છે, તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, દેશી ગાયમાં અનેક ગુણો રહેલા છે. તેના ગોબર-ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ છે જ, પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે. તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ.
ગુજરાત સરકારે પણ પશુ સુધારણાના કાર્ય દ્વારા દેશમાં ક્રાંતિરૂપ કાર્ય હાથ ધર્યું છે. સરકારે પશુપાલકોની ગાય માટે ૫૦ રૂપિયામાં ઉત્તમ ઓલાદનું એક સીમન ઉપલબ્ધ બનાવ્યું છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છીએ. આ બીમારીઓની ભેટ આપણને યુરિયા, ડીએપી, જંતુનાશક દવાના પરિણામે મળી છે.
રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે, તેવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. ગૌ-પાલનથી અનેક લાભો તો છે જ. એના કારણે ધરતી નંદનવન બને છે વાતાવરણ શુદ્ધ થાય છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય છે.
ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પાંચ-પાંચ ગામોનું ક્લસ્ટર બનાવી તેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરો દ્વારા કાર્ય હાથ ધરાયું છે. જેનો લાભ લઈ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, ધરતી આચ્છાદન અને એક સાથે અનેક પાક સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને અપનાવી ધરતીને નવપલ્લવીત બનાવવા જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ઝેરમુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિ એ જૈવિક ખેતી નથી. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. સી.કે.ટિંબડિયાએ રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી જીવનને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અગત્યની એવી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે ચાલતા અભ્યાસક્રમો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યપાલશ્રીએ કાર્યક્રમ સ્થળની પાસેના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે ૧૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.