અમેરિકન ટેલિકોમ કંપનીઓ પર ચીની હેકર્સનો મોટો હુમલો
વાશિગ્ટન, અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ચીનની સરકાર સાથે સંકળાયેલા અત્યંત કુશળ હેકર્સના જૂથે છેલ્લા કેટલાક દિવસોમાં યુએસની ઘણી મોટી ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને હેક કરી છે. આ હેકિંગથી થયેલા નુકસાનની હદ હજુ તપાસ હેઠળ છે.
ચાઈનીઝ હેકર્સે ઘણી મોટી બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓને નિશાન બનાવી છે જેમાં મોટી યુએસ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એટી-ટી, વેરીઝોન અને લુમેન વગેરેનો સમાવેશ થાય છે.ચાઇનીઝ હેકર્સની ઘૂસણખોરીએ યુએસ અધિકારીઓમાં સંભવિત રાષ્ટ્રીય સુરક્ષા જોખમો અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
અહેવાલો કહે છે કે અમેરિકન ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ પર ચાઇનીઝ હેકર્સ દ્વારા કરવામાં આવેલો આ સાયબર હુમલો ખૂબ જ આધુનિક અને અત્યાધુનિક છે. આનાથી સાયબર જાસૂસી અને વિવિધ સુરક્ષા મુદ્દાઓને લઈને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો થઈ શકે છે. અમેરિકન ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગ દેશના ઈન્ટરનેટ અને ફોન સંચારની કરોડરજ્જુ સમાન છે.
ટેલિકોમ કંપનીઓ પાસે કોલર્સ અને યુઝર્સ વિશે ઘણો ડેટા છે. તેથી જ સાયબર હુમલાના કિસ્સામાં ટેલિકોમ કંપનીઓ ઘણીવાર હેકર્સના નિશાના પર રહે છે.
સાયબર હુમલાનો ભોગ બનેલા એટી-ટી અને લુમેન બંનેએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. વેરિઝોને મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનો પણ ઇનકાર કર્યાે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એફબીઆઈ આ સાયબર હુમલાની તપાસ કરી રહ્યા છે અને હાલમાં બંને વિભાગોએ આ મામલે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં ચીની દૂતાવાસે સાયબર હુમલામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યાે છે.
ચીનના રાજદૂતે આ મામલે ચીનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.મીડિયા રિપોટ્ર્સ અનુસાર, યુએસ કોંગ્રેસને પણ પરિસ્થિતિની ગંભીરતા વિશે જાણ કરવામાં આવી છે, તેમજ હાઉસ અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીને પણ આ સાયબર હુમલા વિશે જાણ કરવામાં આવી છે.
હુમલાની તપાસમાં મદદ કરવા માટે માઇક્રોસોફ્ટ અને મેન્ડિયન્ટ જેવી અગ્રણી સાયબર સુરક્ષા કંપનીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. આ હુમલો કરનાર હેકર્સના જૂથને સોલ્ટ ટાયફૂન તરીકે ઓળખવામાં આવે છે.એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ તો ત્યાં સુધી ટિપ્પણી કરી છે કે ચાઈનીઝ સરકાર સમર્થિત હેકર્સ એફબીઆઈ સાયબર કર્મચારીઓ કરતા ઘણા વધારે છે.
ચીનનું બીજું હેકિંગ જૂથ કથિત રીતે અમેરિકન પરિવહન અને સંદેશાવ્યવહાર નેટવર્કમાં પણ ઘૂસણખોરી કરી રહ્યું છે, જેથી કરીને તાઈવાન પર ચીન હુમલો કરે તો અમેરિકાની કોઈપણ કાર્યવાહીને ખોરવી શકાય.SS1MS