ગર્લફ્રેન્ડ બનાવો, બોનસ લોઃ ચીની કંપનીની કર્મચારીઓને ઓફર
શેન્જેન, ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ગર્લફ્રેન્ડ બનાવવા અને ડેટ પર લઈ જવા માટે બોનસ આપવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે, ‘‘સિંગલ કર્મચારીઓને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’’ શેન્જેનની એક કેમેરા કંપની ‘ઈન્સ્ટા ૩૬૦’એ પોતાના કર્મચારીઓને આ ભેટ આપી છે.
ઈન્સ્ટા ૩૬૦એ દાવો કર્યાે છે કે, ‘‘જો કોઇ સિંગલ કર્મચારી બહાર ડેટ પર જાય છે, અને કંપનીના પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકે છે તો દરેક પોસ્ટ માટે તેને ૬૬ યુઆન એટલે લગભગ રૂપિયા ૭૮૦ આપશે.
જો કોઈ પણ કર્મચારી ગર્લફ્રેન્ડ બનાવે છે, અને ત્રણ મહિના સુધી તેની સાથે સંબંધમાં રહે છે તો કંપની બંનેને ૧૦૦૦ યુઆન એટલે કે લગભગ રૂપિયા ૧૨૦૦૦ આપશે.’’૧૧મી નવેમ્બર સુધી કંપનીના કર્મચારીઓેએ પ્લેટફોર્મ પર લગભગ ૫૦૦ પોસ્ટ કરી, અને તે માટે કંપનીએ ૧૦૦૦ યુઆનનું ઈનામ પણ કર્મચારીઓને આપી દીધું.
કર્મચારીઓનું કહેવું છે કે, ‘‘હજુ આ સ્કીમ શરુ થયાને ત્રણ મહિનાથી ઓછો સમય થયો છે, એટલા માટે કોઈને પણ ડેટિંગ બોનસ હજુ સુધી મળી શક્યું નથી.’’ જોકે, એવા કેટલાય લોકો છે કે જે ત્રણ મહિનાથી રિલેશનશીપમાં છે, અને તેમને આ બોનસનો લાભ મળ્યો છે.
એક કર્મચારીએ વ્યંગ કરતા કહ્યું કે, ‘‘મારી કંપની મારા મમ્મીથી વધુ ધ્યાન આપે છે.’’ એક યૂઝરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ‘‘શું કંપનીમાં ભરતીઓ થઈ રહી છે.’’
અન્ય યૂઝરે એમ કહ્યું કે, ‘‘સરકારે પણ આ સ્કીમને લાગુ કરવી જોઈએ.’’ વધુ એક યૂઝરે એમ લખીને લાગણી વ્યક્ત કરી છે કે, ‘‘પ્રેમને પૈસાથી તોલવો જોઈએ નહીં.’’ અહીંયા નોંધવું રહ્યું કે, ચીનના સરકારી આંકડા પ્રમાણે ૨૦૨૪ના ત્રણ મહિનામાં ૪.૭૪ મિલિયન લોકોએ લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યા છે, જે ગત વર્ષની તુલનામાં ખૂબ ઓછા છે.
ચીનમાં જન્મદર ઝડપથી ઘટી રહ્યો છે. ૨૦૨૨માં જન્મદર ૬.૭૭ હતો, જે ઘટીને ૨૦૨૩માં ૬.૨૩ થઈ ગઈ છે. એવામાં ચીનમાં ઓછી થતી વસ્તી ચિંતાનું કારણ બની ગઈ છે. સેન્ટ્રલ ચીનના શાંગજી પ્રાંતમાં લગ્ન કરવા પર ૧૫૦૦ યુઆનની ભેટ આપવામાં આવે છે.SS1MS