અમદાવાદમાં માલધારી સમાજની ‘માલધારી વેદના’ રેલી યોજાશે
(એજન્સી)અમદાવાદ,રાજ્યમાં ઠેર-ઠેર રસ્તાઓની સમસ્યાઓ ઉપરાંત રખડતાં ઢોરની સમસ્યાની ફરિયાદો જાેવા મળતી હોય છે. મોટા ભાગનાં શહેરોમાં પશુઓએ રસ્તા પર કબજાે જમાવેલો જાેવા મળતો હોય છે જેના કારણે ટ્રાફિક અને ગંદકીની સમસ્યા પણ સર્જાતી હોય છે.
ત્યારે માલધારી સમાજે અમદાવાદમાં ‘માલધારી વેદના રેલી’ના આયોજન દ્વારા પોતાની તકલીફોને વાચા આપવાનું એલાન કર્યું છે. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ માલધારીની વેદના સાંભળવા અને તેમનો પક્ષ સમજવા માટે અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, નિર્દોષ રાહદારીઓના અકસ્માતથી તેમના સમાજને કોઈ ખુશી નથી થતી અને ઘણું દુઃખ જ થાય છે.પરંતુ તેમના સમાજની ગુજરાન ચલાવવા માટેની વેદના સાંભળવાની પણ જરૂર છે. સરકાર ગામડાઓને શહેરોમાં ભેળવી રહી છે અને માલધારીઓને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી મળતી.
આગામી ૨ સપ્ટેમ્બરના રોજ સવારે રે ૧૧ઃ૦૦ કલાકે શરૂ થનારી માલધારી વેદના રેલીમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાશે. તેઓ બાપુનગર શ્રી ભીડભંજન હનુમાન મંદિરથી સરસપુર, કાલુપુર બ્રિજ થઈને સારંગપુરથી રાયપુર, આસ્ટોડિયા, ખમાસાથી ભદ્રકાળી મંદિર પહોંચીને રેલીને સમાપ્ત કરશે.
નાગજી દેસાઈના કહેવા પ્રમાણે માલધારીઓની સમસ્યા માત્ર માલધારીઓની જ નહીં પરંતુ અન્ય સમાજની પણ છે. આ તમામ વેદના માટે તેમણે સત્તામાં બેઠેલા લોકોને અને ગામડાઓના શહેરીકરણને જવાબદાર ઠેરવ્યું હતું.