લોકસેવાના કાર્યો થકી માનવતા મહેકાવી રહેલા મામલતદાર
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ)(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ફરજ બજાવતા મામલતદાર જિલ પટેલ અને તેમના પરિવાર દ્વારા ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત નિમિત્તે આર્થિક રીતે નબળા પરિવારની બાળાઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરી અન્ય સુખી સંપન્ન લોકોને માનવતાના કાર્યો માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની અને હાલ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભિલોડા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા જિલ પટેલ અને તેમનો પરિવાર સતત લોકસેવાના કાર્યો થકી માનવતાની મહેક ફેલાવતો રહે છે.
જિલ પટેલે વિદ્યાર્થી અવસ્થા માંજ નિશ્ચય કર્યો હતો કે દર વર્ષે પોતે જે વિસ્તારમાં કામ કરતા હશે તે વિસ્તારમાં ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત કરતી આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી બાળાઓને ડ્રાયફ્રૂટ નું વિતરણ કરી બાળાઓના ચહેરા પર એક સ્મિત લાવશે અને તેમની આ સેવાકીય પ્રવુત્તિમાં તેમનો પરિવાર પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યો છે.
મામલતદાર જિલ પટેલે પોતાના નિશ્ચય પ્રમાણે આ વર્ષે પણ જિલ પટેલ અને તેમના પરિવાર દ્વારા ભિલોડા વસવાટ વિસ્તાર, તલાવડી પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કરીને પેટિયું રળતા મદારી, વાદી અને ભરથરી પરિવારની બાળાઓ તેમજ નવા ભવનાથ પ્રાથમિક શાળા
તેમજ ભિલોડા પ્રાથમિક શાળા નં- ૧ માં અભ્યાસ કરતી બાળાઓ સહિત લગભગ ૨૦૦ બાળાઓને ફરાળી બિસ્કીટ, કેળાની વેફર, ફ્રૂટીનું ટેટ્રા પેક તેમજ કાજુ, દ્રાક્ષ, બદામ અને જલદારૂ જેવા સુકામેવાથી ભરેલી ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરી બાળાઓના મુખ પર સ્મિત રેલાવી અન્ય લોકોને પણ લોકસેવાના કાર્યો માટે પ્રેરણા પુરી પાડી છે.