85 વર્ષના વૃધ્ધાની મોડી રાત્રે હત્યા કરી ભાગવા જતો શખ્સ ઝડપાયો

“મને છોડી દો એક માજીને મારી નાખ્યા તમને પણ મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. જેથી આગેન્દ્રભાઈએ તખીબેનના પરિવારજનોને હત્યા બાબતે જાણ કરતા તે લોકો પણ આરોપી પાસે દોડી આવ્યા હતા.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા ચલોડા ગામની સીમમાં એક વૃદ્ધાની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કરનાર આરોપી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારીને ત્યાં ગામમાં અન્ય લોકોને મારવા માટે પહોંચ્યો હતો.
જોકે ગામના લોકોએ તેને ઝડપી પાડી દોરડાથી બાંધી દઈને વૃદ્ધાના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. ધોળકા રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તે માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકામાં આવેલા ચલોડા ગામમાં રહેતા ૮૫ વર્ષીય તખીબેન ઠાકોર ઘરની બહાર ખાટલામાં સૂતા હતા. રાત્રે બે વાગ્યાની આસપાસ તેમને ધોકાના ફટકા મારીને અજાણ્યો શખ્સ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ત્યાં રાત્રે ત્રણ વાગ્યે ફાર્મમાં કામ કરતા આગેન્દ્રભાઈએ બૂમાબૂમ કરી હતી.
તેમણે એક શખ્સને લોહીવાળા લાકડાના ધોકા સાથે પકડ્યો હતો. આ શખ્સે “મને છોડી દો એક માજીને મારી નાખ્યા તમને પણ મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. જેથી આગેન્દ્રભાઈએ તખીબેનના પરિવારજનોને હત્યા બાબતે જાણ કરતા તે લોકો પણ આરોપી પાસે દોડી આવ્યા હતા.
તખીબેનના પરિવારજનોએ આરોપી અને ગામના લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કાળુ ઠાકોરે તખીબેનની હત્યા કરી હતી અને બાદમાં તે ગામમાં રહેતા રાજુભાઈના ઘરના દરવાજા પર ધોકો પછાડીને તેમને પણ મારી નાખવા આવ્યો હતો. ગામના લોકોને મારી નાખવા નીકળેલા કાળુ ઠાકોરને ઝડપી પાડી લોકોએ પોલીસને જાણ કરી હતી. ધોળકા રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.