શ્રમિકને પત્થર મારી હત્યા કરી લાશ ઢસડીને નાળામાં સંતાડી ભાગી જનાર ઝડપાયો
કાલોલ તાલુકાના નેવરીયા ગામમાં શ્રમિકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા તાલુકાના નેવરીયા ગામની સીમમાંથી બુધવારે સવારે નિર્માણાધીન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાસેના ગરનાળાના એક ભુંગળામાંથી સ્થાનિક એક શ્રમિક યુવકની લાશ મળી હતી. જે શ્રમિકને પત્થર મારી હત્યા કરનારા આરોપીને એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાલોલ પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના નેવરીયા ગામની સીમમાંથી ગત બુધવારે સવારે નેવરીયા ગામની સીમમાંથી પસાર થતા દિલ્હી મુબઇ નેશનલ હાઇવે કોરીડોરની બાજુમાં પડી રહેલા સિમેન્ટના ભુંગડામાંથી ગોપાલભાઈ ખુમાનસિંહ પરમાર (રહે. નવેરીયા)ની લાશ મળી આવી હતી
ત્યારે કોઈ અજાણ્યા ઇસમે પત્થર મારી મોત નિપજાવી પુરાવાનો નાશ કરવા સારુ મરણ જનારની લાશને સિમેન્ટના ભુંગડાની અંદર છુપાવી પુરાવાનો નાશ કરવાના કિસ્સામાં પોલીસે એફએસએલ ટીમની મદદથી હત્યા અને હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા . જોકે કાલોલ પોલીસની તપાસ દરમ્યાન પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને એક બાતમીદારથી એવી હકીકત જાણવા મળેલ કે
આ હત્યાના ગુનામાં અલ્પેશભાઇ ઉર્ફે અનીયો સુરેશભાઈ ચુનારા (રહે.નેવરીયા, વચલુ ફળીયુ તા.કાલોલ) સંડોવાયેલ હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે આરોપીની અટક કરી તેને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુકિતથી ખુનના ગુના સંબધે પુછપરછ કરતાં અંતે તેને ગત ૨૧/૦૧/૨૦૨૫ના રોજ સાંજના ચારેક વાગે મરણ જનાર ગોપાલભાઇ ખુમાનસિંહ પરમાર સાથે બોલાચાલી અને ઝઘડો થયા પછી બન્ને છુટા પડી ગયા હતા
પરંતુ સાંજે સાતેક વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઇ હાઇવેની બાજુ મરણ જનાર ગોપાલભાઈ ફરીથી મને મળતાં બન્ને વચ્ચે થયેલી બોલાચાલી દરમ્યાન મેં તેને જમીન ઉપર પડેલ પથ્થર લઇને ગોપાલના માથાના પાછળના ભાગે મારતાં તેના માથામાંથી લોહી નીકળવા લાગતાં તે નીચે પડી ગયો
ત્યારે ચારેક વખત તેના માથાના પાછળના ભાગે પથ્થર મારી તેનું મોત નિપજાવી તેને ઢસડીને દિલ્હી-મુંબઇ હાઇવેની બાજુમાં આવેલ નાળાના ભુંગળામાં સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરી હતી.
આમ અપરિણીત એવા શ્રમિકને પત્થર મારી હત્યા કરનારા આરોપીને એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાલોલ પોલીસને હવાલે કરી એક અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં સફળતા મેળવી હતી.