EPF એકાઉન્ટ સાથે છેડછાડ કરીને બિહારના શખ્સે 1 લાખની ઠગાઇ કરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સરદારનગરમાં કામ કરતા કામદારના પીએફ એકાઉન્ટ સાથે છેડછાડ કરીને બિહારના શખ્સે ઓનલાઇન ક્લેમ કરીને રૂ. ૧.૦૩ લાખની ઠગાઇ આચરી છે. જેમાં શખ્સે કામદારના પીએફ એકાઉન્ટમાં ત્રણ વખત સ્થાળાંતરણની અરજી પણ કરી હતી.
જ્યારે ભવિષ્યનિધિ સંગઠનના ક્ષેત્રીય કાર્યાલયમાં ઓડિટ કરવામાં આવ્યુ ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે એન્ફોર્સમેન્ટ અધિકારીએ બિહારના શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
થલતેજમાં રહેતા સંઘાબેન પિલ્લઇ નરોડા રોડ પર આવેલ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના ક્ષેત્રીય કાર્યાલયમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૬ એપ્રિલે તેમના કાર્યાલયમાં ઓડિટ કરવામાં આવ્યુ હતુ.
ત્યારે ધ્યાને આવ્યુ હતુ કે, મહાદેવ મહંતો જે મેસર્સ ફર્સ્ટ કેર કોર્પોરેશનમાં કામ કરે છે. ત્યારે મહાદેવભાઇને પીએફ એકાઉન્ટ ફાળવવાની કામગીરી કંપની દ્વારા ઓનલાઇન કરવામાં આવી હતી.
ત્યારે તપાસ કરતા મહાદેવભાઇના પીએફ એકાઉન્ટમાંથી બિહારના અખિલેશ પાંડે નામના શખ્સે તેમની જાણ બહાર રૂ.૧.૯૨ લાખનો ક્લેમ ઓનલાઇન કરીને રૂ. ૧.૦૩ લાખ પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઇ આચરી હતી.
તેમજ મહાદેવભાઇના પીએફ એકાઉન્ટમાંથી સ્થાળાંતરણની ત્રણ વખત અરજી પણ કરી હતી. આ અંગે એન્ફોર્સમેન્ટ ઓફિસરે અખિલેશ પાંડે સામે કૃષ્ણનગરમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.