કોરોનાગ્રસ્ત યુવકને બચાવવા ડૉક્ટરોએ ફેફસું બદલ્યું
નવી દિલ્હી: દિલ્હીમાં પહેલી વખત લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં ડોક્ટરોને સમફળતા મળી છે. મહત્વની વાત એ છે પણ છે કે, કોરોનાના દર્દીની આ સર્જરી કરવામાં આવી. ૩૧ વર્ષના યુવકનું ફેફસું સંપૂર્ણ રીતે નકામું થઈ ગયું હતું. તેને વારંવાર ઓક્સીજન સપોર્ટની જરૂર પડી રહી હતી.
છેલ્લા ૨ મહિનાથી દર્દી લંગ ડોનરની રાહ જોઈ રહ્યો હતો. શનિવારે રાત્રે જયપુરમાં ડોનર મળી ગયો. દિલ્હીમાં મેક્સ હોસ્પિટલમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ કરનારી ટીમે જયપુર જઈને ડોનરનું લંગ લીધું અને પ્લેનમાં ટીમ દિલ્હી પહોંચી.
શનિવારે રાત્રે સર્જરી શરૂ થઈ અને રવિવારે સવારે સુધીમાં પૂરી થઈ. સર્જન ડો. રાહુલ ચંદોલાની આગેવાનીમાં ૧૫ લોકોની ટીમે લગભગ ૧૦ કલાકની મેરેથોન સર્જરી કરી આ ઓપરેશનને સફળ બનાવ્યું. હવે, દર્દીની તબીયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
ડોક્ટર રાહુલે જણાવ્યું કે, દર્દી યુપીના હરદોઈનો રહેવાસી છે અન મજૂરી કરે છે. તેને કોરોના થઈ ગયો હતો. તેની સારવાર લખનૌની કેજીએમસીમાં ચાલી રહી હતી, પરંતુ કોઈ સુધારો થતો ન હતો. તેની ઓક્સીજનની જરૂરિયાત વધતી જઈ રહી હતી. તે પછી લખનૌના ડોક્ટરે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અમારી ટીમનો સંપર્ક કર્યો અને દર્દીને દિલ્હી શિફ્ટ કરાયો. દર્દીની તપાસમાં જણાયું કે, લંગ ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર વિકલ્પ છે તે પછી નોટ્ટોમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવાયું.
તેને ઓક્સીજન માટે બાઈ પેપ મશીન આપવામાં આવ્યું અને દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. બે મહિના રાહ જોયા પછી ડોનર મળ્યો. ડોક્ટર રાહુલે જણાવ્યું કે, જયપુરમાં એક અકસ્માતમાં ૪૮ વર્ષની મહિલાને માથામાં ઈજા થઈ હતી અને તે બ્રેન ડેડ થઈ ગઈ હતી. જ્યારે તેનો પરિવાર ઓર્ગન ડોનેટ માટે તૈયાર થયો તો અમારી ટીમ લંગ રીટ્રિવલ માટે જયપુર ગઈ. જે પ્લેનમાં બે લંગ્સ સહિત એક લીવર અને એક કિડની દિલ્હી લવાઈ હતી, એ ફ્લાઈટને અડધો કલાક રોકવામાં આવી, જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળી શકે.
તેનાથી બે લોકોને નવું જીવન મળ્યું. મેક્સ હોસ્પિટલમાં લંગ અને આઈએલબીએસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું. આઈએલબીએસના લીવર ટ્રાન્સપ્લન્ટ સર્જન ડો. વી પમેચાએ જણાવ્યું કે, ૪૫ વર્ષની એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે, દર્દી ઈડબલ્યુએસ કેટેગરીનો છે. ઘણા દિવસોથી વેઈટિંગમાં હતો. ડોક્ટર પમેચાએ જણાવ્યું કે, ઓર્ગનને દિલ્હી લાવવામાં રાજસ્થાન સરકાર, ત્યાંના ડોક્ટરોની ટીમ અને એરલાઈન્સનો સહકાર પ્રશંસનીય રહ્યો. ડોક્ટર રાહુલના જણાવ્યા મુજબ, જ્યારે અમે ડોનરના લંગ્સ કાઢીએ છીએ તો બંને કાઢીએ છીએ.