સગીરાને હેરાન કરી મરવા માટે મજબુર કરનારને ૨૦ વર્ષની સજા

મહેસાણા, સગીરાનો પીછો કરી લગ્ન કરવા દબાણ કરી ઉપાડી લઈ જઈ ખૂન કરી દેવાની ધમકી આપી મરવા માટે મજબુર કરનાર જોટાણા તાલુકાના મોયણ ગામના આરોપીને મહેસાણાના સેશન્સ જજે ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૧.૭૫ લાખનો દંડ ફટકાર્યાે હતો.
જોટાણા તાલુકાના મોયણ ગામના ઠાકોર અજયજી મોડજીજી એક સગીરાનો વારંવાર પીછો કરી તેણીને લગ્ન કરવા દબાણ કરતો હતો. જો લગ્ન નહીં કરે તો ઘરેથી ઉપાડી જઈ ખૂન કરી નાખવાની ધમકીઓ આપી સતત માનસિક ત્રાસ આપતો હોઈ કંટાળી ગયેલી સગીરાને લાગી આવતાં તેણીએ તા.૨૬-૦૨-૨૨ના રોજ પોતાના ઘરે ફાઈટરિયા (ડિઝલ પમ્પ મશીન) માટે પડેલું ડિઝલ શરીરે છાંટીને આગ લગાવી સળગતાં તેણીનું મોત થયું હતું.
જે અંગે કડી પોલીસ મથકે ઠાકોર અજયજી સામે દૂષ્પ્રેરણ, પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ સ્પેશિયલ પોક્સો કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ ગુનો પુરવાર કરવા કોર્ટ સમક્ષ ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને ૧૬ જેટલા સાહેદો તપાસીને દલીલો કરી હતી.
પુરાવા તેમજ દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણાના સેશન્સ જજ સી.એમ.પુવારે આરોપી અજયજી ઠાકોરને કલમ ૩૦૫ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧ લાખનો દંડ, કલમ ૩૦૬ હેઠળ ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫ હજાર દંડ, પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦ હજાર દંડ ફટકાર્યાે હતો. ફરિયાદી (ભોગ બનનારના પરિવાર)ને રૂ.૫ લાખ વળતર અપાવતો આદેશ પણ કોર્ટે કર્યાે હતો.SS1MS