સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા માણાવદરના ધારાસભ્ય
(પ્રતિનિધિ) માણાવદર, માણાવદરમાં રજવાડા સમયની સરકારી રેફરલ હોસ્પિટલ આજે પણ કાર્યરત છે. પરંતુ રજવાડા વખતમાં જે સુવિધાઓ ખાસ કરીને તમામ રોગના વિદેશી તબીબ નિષ્ણાંતો રહેતા હતા તેવા નિષ્ણાંતો આજે આ હોસ્પિટલમાં નથી મોટાભાગના રોગ નિષ્ણાંતોની કમી છે. ડોક્ટરોની નિમણૂકો બાબતે માણાવદર વાસીઓએ લગભગ ૨૦થી વધારે આંદોલનનો કર્યા છે પરંતુ પરિણામ શૂન્ય આવેલ છે.
માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ આજરોજ ઓચિંતી આ હોસ્પિટલની વિઝીટ લેતા અસુવિધાઓ જાણવા મળી હતી. ધારાસભ્ય પ્રથમ ડોર તથા ઇન્ડોર દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને જણાવેલ કે અહીં તબીબો માનવતાવાદી અને સારવારમાં પૂરતું ધ્યાન આપે છે ડોક્ટરો પ્રત્યે કોઈ ફરિયાદ નથી પરંતુ જરૂરી ડોક્ટરોની ઘટ છે જેવા કે ગાયનેક નિષ્ણાંત નથી તથા સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે તથા એમ્બ્યુલન્સની પણ ઘટ છે તેમ જ બાળરોગ નિષ્ણાંત, હાડકાના નિષ્ણાંત તથા આંખોના નિષ્ણાંતોની કમી છે જરૂરી દવાઓ પણ અહીં ઉપલબ્ધ નથી.
દર્દીઓની મુલાકાત પછી ધારાસભ્યે ડોક્ટરોને મળ્યા હતા અને હોસ્પિટલમાં જે જે અસુવિધાઓની ઉણપ છે તે અંગેની માહિતી મેળવી હતી અને બધી વિગતો લઈ તેમણે આરોગ્ય કમિશનર તથા આરોગ્યમંત્રીને ફેક્સ મેસેજ દ્વારા જાણ કરી હતી. ધારાસભ્યની મુલાકાત સમયે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા તથા માણાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા તેમજ કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા. ધારાસભ્યની મુલાકાતથી આ અગવડતાભર્યો પ્રશ્ન સુલઝી જશે તેવી આશા દર્દીઓમાં જન્મી હતી